શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરનાર પૂર્ણેશ મોદી હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા: રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તે પહેલાં જ ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પીટીશન દાખલ કરી:
નવી દિલ્હી: મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી કરનાર પૂર્ણેશ મોદી હવે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમને લઈને કરેલી ટિપ્પણી બાદ ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ દાખલ કર્યો હતો.
સુરતની કોર્ટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને હાલ જામીન પણ મળી ગયા છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધારીને દિલ્હીથી ડાયમંડ નગરી સુરતમાં ધક્કા ખાવા મજબૂર કરનાર અને કેસ કરનાર પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાજકીય પક્ષની રીતે અમે અલગ છીએ, પરંતુ આ મુદ્દો રાજકીય નથી, સામાજિક પ્રશ્ન છે, જેથી કોર્ટમાં કેસ કર્યો હતો.
કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું…
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ૧૩ એપ્રિલ ૨૦૧૯ ના રોજ પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક ‘મોદી’ જ કેમ હોય છે. “તમામ મોદી ચોર હોય છે”. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના ‘મોદી’ અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.
આ મામલામાં સુનાવણી બાદ ગુજરાતની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી, જેના કારણે તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવવી પડી હતી. સ્થાનિક કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીની સજા યથાવત રાખી હતી. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટ જવાનો રસ્તો બચ્યો છે. જેને જોતા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ પીટીશન દાખલ કરી છે. જેથી રાહુલ ગાંધી ની મુશ્કેલીઓ વધી છે.
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી પહેલા પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા કેવિયેટ પીટીશન દાખલ કરી છે.
પૂર્ણેશ મોદીએ કેવિયેટ પીટીશન અરજીમાં કહ્યું રાહુલ ગાંધી સુપ્રીમમાં અરજી કરે તો અમારો પક્ષ સાંભળ્યા વિના સુપ્રીમે કોઈ આદેશ કે નિર્દેશ જારી ના કરવો જોઈએ..