શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા મહેસાણા ખાતે એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું :
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદ દ્વારા મહેસાણા ખાતે આવનારી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ માટે એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે મહેસાણા જિલ્લાના મતદાર જાગૃતિ અને સ્વીપ કામગીરીના નોડલ ઓફિસર ગીતાબેન ચૌધરીએ જણાવ્યું કે, ચૂંટણીએ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે. ભારત દેશમાં 91 કરોડ મતદારો છે અને તેમાં પણ યુવા મતદારો વધુ છે. આથી મતદારો વધારેમાં વધારે મતદાન કરે એ માટે તેમનામાં જાગરૂકતા હોવી જરૂર છે. જેને ધ્યાનમાં રાખીને ચુનાવ આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જન જાગરૂકતા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે.
ગીતાબહેને કહ્યું કે, આવો જ એક પ્રયાસ “સ્વીપ (SVEEP)” કાર્યક્રમનો છે જે વર્ષ 2009થી મતદાર જાગૃતિ માટે કાર્ય કરે છે.આ કાર્યક્રમ થકી 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોની ટકાવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગીતાબહેને એ પણ જણાવ્યું કે, મહિલા મતદારો વધારે મતદાન કરે એ માટે પિંક બુથ, દિવ્યાંગ મતદારો માટે અલગ મતદાનની વ્યવસ્થા વગેરે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.
આ વેળાએ ચિત્રલેખા મેગેઝિનનાં બ્યુરો ચીફ કેતન ત્રિવેદીએ જણાવ્યું કે, આજે પરંપરાગત પત્રકારત્વ અને નવા પત્રકારત્વનાં પત્રકારિતાનાં આયામો બદલાયા છે. ડિજિટલ યુગના આ પત્રકારત્વમાં જનતા સુધી સચોટ માહિતી પહોંચે એ ખૂબ જરૂરી છે કેમ કે ખોટી માહિતી જનતા અને રાષ્ટ્ર માટે ખતરો પેદા કરી શકે છે.
આ પ્રસંગે ગ્રામીણ પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવતા અને કટાર લેખક મણીભાઈ પટેલે પોતાના ગ્રામીણ પત્રકારિતાનાં અનુભવો વિશે જણાવ્યું હતું તેમજ ગ્રામીણ સમસ્યાઓ વિશે અવગત કરાવ્યા હતા.
આ પ્રસંગે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના નાયબ નિયામકશ્રી યોગેશ પંડ્યાએ જણાવ્યું કે, સરકારી યોજનાઓ લાભાર્થીઓ જોડે પોહચે એમાં મીડિયાની ભૂમિકા અગત્યની રહેલી છે.મીડિયાની ભૂમિકા મતદારોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક મતદાર દેશની સૌથી મોટી મૂડી છે.
આ પ્રસંગે સરકાર દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પાલાવાસના ગામના પટેલ જયંતીભાઈ, તરૂલતાબેન ભરતભાઈ મકવાણા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કાળાભાઈ વણકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મતદાન જાગૃતિ અને સ્વીપ કામગીરીના અધિકારીશ્રી ગીતાબહેન ચૌધરી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદના નાયબ નિયામકશ્રી યોગેશ પંડ્યા, કટાર લેખક મણીભાઈ પટેલ, ચિત્રલેખા મેગેઝિનનાં બ્યુરો ચીફ શ્રી કેતન ત્રિવેદી, પાલાવાસનાનાં સરપંચશ્રી આશાબહેન અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.