શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઇ
ફ્રાંસ સરકારના પર્યાવરણ મંત્રી બાર્બરા પોમ્પિલી સહીત પ્રતિનિધિમંડળે સુરતની મુલાકાત લીધી હતી.
સુરતઃ સોમવારઃ- ફ્રાંસ સરકારની પર્યાવરણ મંત્રીશ્રી બાર્બરા પોમ્પિલીએ સુરત મહાનગરપાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મનપાના સ્મક સેન્ટરની મુલાકાત દરમિયાન પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. પાલિકા દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓનો કમાન્ડ સેન્ટરથી કન્ટ્રોલ કરવામાં આવે છે. મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની સહિતના મનપાના અધિકારીઓએ મંત્રીશ્રીને સુરત મહાનગરપાલિકાની આધુનિક સેવાઓથી વાકેફ કરી સમજ આપી હતી કે શહેરીજનોની ફરિયાદથી લઈ વિવિધ વિભાગોની ઈન્ટરનલ કનેક્ટિવીટીને લગતી તમામ બાબતો આ મુખ્ય મેક સેન્ટરથી સંચાલિત કરવામાં આવે છે. આ ઉપરાંત, ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત પાલિકાના તમામ વાહનો ઉપર મોનિટરીંગ સિગ્નલથી કામગીરીના સંકલન, એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમની વિગતો મેળવી હતી.
મંત્રીશ્રી બાર્બરા પોમ્પિલીએ મનપાના યુ.સી.ડી.વિભાગ સંચાલિત મહિલા સશક્તિકરણ માટેની પિંક ઓટોમાં સવાર થઈને અડાજણ બી.આર.ટી.એસ. પહોંચ્યા હતાં, અડાજણથી બી.આર.ટી.એસ. બસમાં સવાર થઈને અલથાણના બાયોડાઈવર્સિટી પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રિક્રીએશન પાર્ક, વાઈલ્ડ વેલી, ચિલ્ડ્રન પાર્ક, અર્બન ફોરેસ્ટ્રી થીમ પાર્કનું અવલોકન કર્યું હતું. અહીં મનપા ઉચ્ચ અધિકારીઓ સાથે મનપાની મહત્વાકાંક્ષી સાયકલ શેરિંગ યોજના વિષે જાણકારી મેળવી સાયકલની સવારી પણ કરી હતી.બપોર બાદ પ્રતિનિધિમંડળે અલથાણ ખાતે આવેલ પ્લાસ્ટિક રિસાયકલ કંપની “ઇકો વિઝન’માં પ્લાસ્ટિકને રિસાયકલ કરવાની કામગીરી નિહાળી હતી. અને શહેરના ઐતિહાસિક કિલ્લા, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર, ખુદાવંદખાનનો મકબરો અને ડચ કિલ્લાની મુલાકાત પણ લીધી હતી, અને ઐતિહાસિક ધરોહર વિષે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે એમ્બેસડર ઓફ ફ્રાંસ ટુ ઇન્ડિયા ઈમેન્યુઅલ લિનૈન, કાઉન્સીલ જનરલ સોનિયા બાર્બરી, ચીફ ઓફ સ્ટાફ, એમટીઈ કેરીન લાલમંટ, કન્ટ્રી ડાયરેક્ટર, એફડી ઇન્ડિયા બુનો બોસ્લે, ડિપ્લોમેટીક કાઉન્સેલર કેવિન માગોન સહિતનું પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.