
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
શિક્ષકોની માંગ ગુજરાત સરકારે સ્વીકાર કર્યા બાદ પોલીસના ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ ૪૨૦૦ ગ્રેડ-પે કરીને ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગયુ હતું.
ગાંધીનગર: સોશિયલ મીડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ મામલે ડીજીપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ડીજીપી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહી આવે. જાહેરનામું બહાર પાડી કરવામાં આવ્યાં છે પોલીસ પરિવારનાં તમામને અવગત:
પોલીસ વિભાગનાં કર્મચારીઓના કલ્યાણ માટે સરકાર કટિબદ્ધ છે:
પોલીસ વિભાગએ શિસ્તને વરેલુ તથા સાહસ, શૌર્ય અને સેવાને સમર્પિત એવુ એક ખાતુ છે. સમાજની સેવા, આ ખાતામાં શિસ્ત અને અનુશાસનને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પોલીસના કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બીજી અનેક સુવિધા અને ભથ્થા આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ પાસે જો રજાના દિવસે કામ લેવામાં આવે તો તે બદલ આવા કર્મચારીઓને અન્ય પગાર ભથ્થાઓની સાથે સાથે રજા પગાર પણ ચુકવવામાં આવે છે.
પોલીસ વિભાગના કોન્સ્ટેબલને વર્ષભરમાં ત્રણ માસના પગાર જેટલો અલગથી રજા પગાર ચુકવવામાં આવે છે. પોલીસ વિભાગમાં તમામ કર્મચારીઓને જૂથ વિમા યોજનાનો લાભ આપવામાં આવે છે. Covid19 જેવી ખાસ ફરજો દરમિયાન શહીદ થાય, તેના પરિવારને રૂ. 25 લાખની નાણાકીય સહાય કરી રહી છે. તમામ પોલીસ કર્મચારીઓને ઉત્તમ પ્રકારના યૂનિફોર્મ આર્ટીકલ્સ તથા જરૂરી હોય ત્યા પોલીસ કર્મચારીઓને સરકારી વાહનોની સગવડ પણ આપવામાં આવે છે. પોલીસ કર્મચારીઓને રહેવા માટે ઉત્તમ પ્રકારના સરકારી આવાસની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે.
સમયાંતરે આવા મકાનોની ગુણવત્તા અને સાઇઝમાં પણ વધારો કરવામાં આવે છે. કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓને Job Satisfaction નું પ્રમાણ ઉંચુ રહે અને તેમની ક્ષમતામાં વધારો થાય તે હેતુથી હાલમાં ગૃહ વિભાગ દ્વારા 5 વર્ષની સેવા ધરાવતા કોન્સ્ટેબલને પણ ગુનાના ઇન્વેસ્ટીગેશનની સત્તા આપવામાં આવી છે. આવી સત્તા આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આમ પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે જરૂરી તમામ પગલાઓ લેવા સરકાર કટિબદ્ધ છે.
એક તરફ દેશ અને દુનિયા આખી જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને આ લડાઇમાં જ્યારે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજને સેવાના રૂપમાં લઇને, ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આ કઠિન સમયમાં સમાજના કેટલાક અનૈતિક તત્વો ગ્રેડ-પેમાં વધારાના મુદ્દાને લઇને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હિંસક આંદોલન શરૂ કરવાના મલીન ઇરાદાથી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનું અને તેઓમાં અસંતોષની લાગણી ફેલાવવાનું ગેરકાયદેસર અને અનૈતિક કામ કરી રહ્યા છે. આવી રીતે પોલીસ જવાનોને ખોટી, ગેરમાર્ગે દોરનારી અને મલીન ઇરાદાથી પ્રેરાઇને થતી ઉશ્કેરણી ગેરકાયદેસરની છે અને જેથી તેને કોઇપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહી આવે.(ડીજીપી)