શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ડોલવણ ખાતે પારિવારિક હિંસાથી મહિલાઓને રક્ષણ આપતો “ધરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત કાયદાકિય સેમિનાર યોજાયો:
ડોલવણ તાલુકાની મહિલાઓને ધરેલુ હિંસા આધિનિયમ ૨૦૦૫”થી અવગત કરાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી-વ્યારા દ્વારા ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર મામલતદાર કચેરી, ડોલવણ ખાતે મહિલા અને બાળ અધિકારી એસ.આર.દેસાઈની દેખરેખ હેઠળ ડોલવણના સરપંચ ઉષાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ભારત દેશનું બંધારણ સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હક્કોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ ૨૦૦૬માં ‘ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫’ ને લાગુ કર્યો છે. ઘરેલુ હિંસા એટલે ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા તથા માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસા છે.
આ સેમીનારમાં કાયદા નિષ્ણાંત એડવોકેટ શ્રીનિલેશભાઇ પટેલ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ ૨૦૦૫ ની કાયદાકિય જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ડી.પી.વસાવાએ પોટેક્શન ઓફિસરની ફરજો અને કામગીરી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વ્યારાના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા સર્વિસ પોવાઈડરની કામગીરીની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્ડ ઓફિસર બી.જે.મકવાણા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાઓની અને “સખી” વન સ્ટોપ સેન્ટર, પોલિસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. સેમિનારના અધ્યક્ષ ઉષાબેન ચૌધરીએ મહિલાઓને સરકારશ્રીની તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા મહિલાઓને અપીલ કરી હતી.
આ સેમિનારમાં ડોલવણ તાલુકાના કોટવાળિયા સમુદાયની મહિલાઓ અને અંતરિયાળના ગામડામાં રહેતી મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.