શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
-જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સહિત લોક સુખાકારી માટે કરાતી રજૂઆતોના સમયસર વાજબી,ઝડપી અને સુચારૂ ઉકેલની સાથે પ્રજાસમૂહને લોકાભિમૂખ વહિવટની પ્રતિતિ સહિત જે તે કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે દિશાના પ્રયાસ વધુ ધનિષ્ટ બનાવવા “ટીમ નર્મદા” ને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનો અનુરોધ:
-સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રચાયેલ કેવડીયા એરીયા ડેવલોપમેન્ટ અને પ્રવાસન નિગમ સત્તા મંડળમાં સમાવિષ્ટ કેવડીયા સહિત ૧૪ ગામોના સર્વાંગી વિકાસ માટે વિશેષ અગ્રતા આપવા અંગે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરું પાડતાં જિલ્લા કલેક્ટરશ્રી શાહ:
રાજપીપલા – નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રજાકીય પ્રશ્નો સહિત લોકોની જાહેર સુખાકારી માટે કરાતી અન્ય રજૂઆતોનો વાજબી, ઝડપી અને સમયસર સુચારૂ ઉકેલ લાવવાની સાથોસાથ પ્રજાસમૂહને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ કરાવવાની દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ટ બનાવી પ્રજા કલ્યાણની બાબતો સંદર્ભે સઘન અને અસરકારક અમલીકરણ થકી જે તે કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવા “ટીમ નર્મદા” ને ખાસ અનુરોધ કર્યો છે.
ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી પ્રતિક પંડ્યા, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જનપ્રતિનિધિશ્રીઓની રજૂઆતના ઉકેલની વિગતો સહિતનો પ્રત્યુત્તર નિયત સમયાવધિમાં સંબંધિત જનપ્રતિનિધિશ્રીને પાઠવવા અને જિલ્લા સંકલન સમિતિની આવી બેઠક પહેલાં આવો પ્રત્યુત્તર તેમને મળ્યા અંગેની બાબત સુનિશ્ચિત કરી લેવા અને જરૂર જણાય તો આવી બેઠકના પ્રાંરભ અગાઉ પણ પ્રત્યુત્તરની નકલ રૂબરૂમાં પૂરી પાડવાની ખાસ હિમાયત કરી હતી.
પ્રવર્તમાન કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને લોકડાઉન અને ત્યાર પછીના સમયગાળા બાદ યોજાયેલી આજની જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે તાજેતરમાં જિલ્લામાં રાષ્ટ્રીયકક્ષાના ખૂબજ અગત્યતા ધરાવતા બે કાર્યક્રમોમાં “ટીમ નર્મદા” એ કરેલી અભૂતપૂર્વ કામગીરીની સરાહના કરી હતી અને ઉક્ત કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવવાની સાથોસાથ નૂતનવર્ષમાં મળેલી આજની આ પ્રથમ બેઠકમાં સૌને શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી.
કોવિડ-૧૯ ના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા મુજબ ફરજીયાત માસ્ક પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા, સેનીટાઇઝેશન વગેરે જેવી બાબતોનો ચૂસ્ત અમલ કરવાની સાથોસાથ જિલ્લામાં હાથ ધરાનારી ચાર કેટેગરીમાં કોરોના વેક્સીનની તેમજ તેના સર્વેની કામગીરીની જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાનું આરોગ્યતંત્ર આ દિશામાં રાઉન્ડ ધી ક્લોક કાર્યરત છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહે જિલ્લાના તમામ વિભાગોને તેમના બજેટેડ કામોની રોજેરોજની સમીક્ષા કરીને રીવાઇઝડ બજેટની ચિંતા સેવવાની સાથોસાથ તમામ શાખાધિકારીઓને સંભવત: આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓને લક્ષમાં લઇને પ્રજાકલ્યાણ માટેની યોજનાઓની ગ્રાન્ટ લેપ્સ ન જાય તેની ખાસ તકેદારી રાખવાની સૂચના આપી હતી.
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે કેન્દ્રીયનીતિ આયોગના નિદ્યારિત પેરામીટર મુજબ શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-સિંચાઇ, માળખાગત વિકાસ, કૌશલ્ય વર્ધન અને ફાઇનાસીયલ ઇન્કલુઝન સહિતની બાબતોમાં “ટીમ નર્મદા” ના સક્રીય પ્રયાસોથી નર્મદા જિલ્લો નિર્ધારિત લક્ષ્યાંક સિધ્ધિ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ કામગીરીની સમયબધ્ધ સમીક્ષા સાથે ડેટા એન્ટ્રીની કામગીરી સમયસર થાય તે સુનિશ્ચિત કરવાની જરૂરીયાત પર શ્રી ડી.એ.શાહે ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે સરકારશ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કેવડીયા એરિયા ડેવલોપમેન્ટ અને પ્રવાસન નિગમ સત્તામંડળની કરાયેલી રચના અને તેમા સમાવિષ્ટ કેવડીયા સહિતના ૧૪ ગામોના સર્વાંગી વિકાસ માટે વિશેષ અગ્રતા આપવા અંગે જરૂરી સમજ સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. તદ્ઉપરાંત, સુલપાણેશ્વર અભ્યારણના ફરતે ઇકો સેન્સીટીવ ઝોન હેઠળ સમાવિષ્ટ જિલ્લાના ૧૨૧ ગામોના ઇકોઝોન સંદર્ભે કોઇ ગેરસમજ ઉભી ન થાય તે અંગેની વિસ્તૃત સમજ આમજનતા સુધી પહોંચાડવા સંબંધિત વિભાગોને જરૂરી સમજ અપાઇ હતી.
આ બેઠકમાં સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા તરફથી રજૂ કરાયેલ કરજણ નહેર, નર્મદા નહેર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટસમાં રોજગારી સહિત આરોગ્ય, ટ્રાયબલ-સબ-પ્લાન, વન, ડીજીવીસીએલ, માર્ગ-મકાન, પોલીસ વગેરે જેવા વિભાગો સાથે સંકળાયેલી બાબતો ઉપરાંત ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા તરફથી રજૂ કરાયેલ ટ્રાયબલ-સબ-પ્લાન અને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટની બાબત સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના સુચારૂ ઉકેલ માટે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં બાકી તુમારોના નિકાલ, બાકી કાગળોના નિકાલ, કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્ત થયેલ અને નિવૃત થનાર સરકારી કર્મચારીઓના પેન્શન, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, ખાનગી અહેવાલ, પ્રવરતા યાદી પ્રાથમિક તપાસ ખાતાકીય તપાસ વગેરે જેવી બાબતોની પણ શ્રી જિલ્લા કલેક્ટર શાહે સમીક્ષા કરી જે તે કામગીરી સમયસર કરવાની સાથે તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાની પણ તેમણે સૂચના આપી હતી.