વિશેષ મુલાકાત

નર્મદા જિલ્લાના આંગણવાડી વર્કર શ્રીમતી હેતલબેન પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે રાજ્યકક્ષાએ પ્રથમક્રમે માતા યશોદા એવોર્ડ એનાયત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

માતા યશોદા એવોર્ડ- નર્મદા જિલ્લાનું ગૌરવ:

મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનુક્રમે રૂા ૫૧ અને રૂા. ૩૧ હજારના પુરસ્કાર સાથે માતા
યશોદાના સ્મૃતિચિન્હ અને પ્રશસ્તિપત્રથી બંન્ને બહેનોનું કરાયું બહુમાન:

રાજપીપલા, શનિવાર :- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતે રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના E- લોકાર્પણ, E- ભૂમિપૂજન, NITA (નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશન) નું લોન્ચીંગ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણના યોજાયેલાં રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન રણજીતભાઇ પટેલને મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીએ રૂા.૫૧ હજારનો પુરસ્કાર તેમજ તેડાગર શ્રીમતી સુમિત્રાબેન જગદીશભાઇ વસાવાને રૂા.૩૧ હજારનો પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને માતા યશોદાના સ્મૃતિચિન્હ સાથે માતા યશોદા એવોર્ડ એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા પણ મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતાં.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી કેન્દ્ર-૨ ના આંગણવાડી કાર્યકર શ્રીમતી હેતલબેન પટેલ તા.૨૫/૦૮/૨૦૧૦ થી અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવા તા.૨૩/૦૩/૨૦૧૧ થી આંગણવાડી કેન્દ્રની સેવાઓમાં જોડાઇને છેલ્લા દસેક વર્ષથી ભદામ ખાતે તેઓ સેવાઓ આપી રહ્યા છે. આ બન્ને બહેનો આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવાથી લઇને લાભાર્થીઓની નિયમિત ગૃહ મુલાકાતની શ્રેષ્ઠ ફરજો નિભાવી રહ્યાં છે.

હેતલબેન પટેલ જણાવે છે કે, લાભાર્થીઓની ગૃહ મુલાકાત દરમિયાન તેમણે જોયું કે, લોકોની સ્વચ્છતા વિશેની ઓછી જાણકારી છે તેથી તેઓએ આંગણવાડીમાં આવતા તમામ બાળકોને સાબુથી હાથ ધોવડાવવાનું ચાલુ કર્યું અને બાળકો જમતા પહેલાં સાબુથી અવશ્ય હાથ ધોવે તે માટે હેતલબેન અને સુમિત્રાબેને સતત કાળજી રાખી છે. હેતલબેને મમતા દિવસ અને કિશોરી મિટીંગ દ્વારા જનસમુદાય સુધી સ્વચ્છતાની સારી ટેવો પહોંચાડી છે. આંગણવાડીમાં આવતી તમામ માતાઓને ઘરે પણ બાળકોને જમતાં પહેલા સાબુથી અવશ્ય હાથ ધોવા માટે પ્રેરણા આપતાં માતાઓએ પણ તે પ્રમાણે તેમના ઘરે બાળકોને જમતા પહેલા સાબુથી હાથ ધોવડાવતી થઇ છે.

ફક્ત સ્વચ્છતા જ નહીં, આરોગ્ય અને પોષણને પણ આ બંન્ને બહેનો દ્વારા એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે માતાઓ સાથે વાતચીત દરમિયાન જાણ્યું કે, માતાઓ બાળકોને યોગ્ય રીતે કેવી રીતે લેવું અને ધાવણ આપવું તે ખરેખર જાણતા નથી અથવા જાણે છે તો ખૂબ ઓછી માહિતી ધરાવે છે. મંગળ દિવસમાં તેઓ માતાઓ અને કિશોરીઓ સાથે આરોગ્ય અને પોષણની તમામ બાબતોની ચર્ચા કરી તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.

તદઉપરાંત, બાળતુલા દિવસે નિયમિત રીતે બાળકોના વજન કર્યા બાદ ગ્રોથ માટેની મદદથી માતાઓનું માર્ગદર્શન અને પરામર્શ કર્યું છે. કિશોરી મિટીંગમાં કિશોરીઓને જાગૃત કરી તેમને કિશોરીઓનું મહત્વ સમજાવ્યું કે, જો કિશોરી તંદુરસ્ત હશે તો આવતી કાલની માતા તંદુરસ્ત હશે. માતાઓને પોતાના બાળકના પોષણસીર માટે જાણવાની ઉત્સુક્તા ઉત્પન્ન કરી નોંધાયેલ ૬૨ બાળકોમાંથી ૧ બાળક અતિ કુપોષિત હતું તેને સતત પ્રયત્નો દ્વારા તેમણે બીજા મહિને અતિ કુપોષિતના રેડઝોનમાંથી બહાર કાઢ્યું.

તેડાગર સુમિત્રાબેન વસાવાનો લોકસંપર્ક સારો હોવાથી ગામ લોકો પાસેથી લોકફાળો અને તિથી ભોજન મેળવવામાં તેમને સફળતા મળેલ છે. હેતલબેન અને સુમિત્રાબેનના સતત પ્રયાસોથી પોષણ અભિયાન હેઠળ ગામમાં સતત સ્વચ્છતા માટે રેલીઓ, રસોઇ-શો, વાનગી, નિદર્શન વગેરે દ્વારા લોકજાગૃત્તિ કેળવી તા. ૧૦/૧૦/૨૦૧૮ ના રોજ નવી દિલ્હીમાં હેતલબેનને પોષણ માસના નેશનલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે.

અતિ કુપોષિત બાળક જે બોલતું-ચાલતું ન હતું, તેને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરી અમદાવાદ હોસ્પિટલમાં હદયનું ઓપરેશન કરીને બોલતું ચાલતું કરવાની કામગીરી સારી રીતે કરેલ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર શ્રીમતી હેતલબેન પટેલ અને તેડાગર શ્રીમતી સુમિત્રાબેન વસાવાની સમગ્ર રાજ્યમાં પ્રથમ પસંદગી કરીને માતા યશોદા એવોર્ડથી સન્માવવામાં આવતાં આ બંન્ને બહેનોએ નર્મદા જિલ્લાનું રાજ્યકક્ષાએ ગૌરવ વધાર્યું છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है