શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
- ‘બિગ બી’ના જબરા ફેન દિનેશ ભાટીએ બૉલીવુડ ના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી કરી હતી,
- લમ્પી વાયરસથી પીડિત બીમાર ગાયોની સારવાર માટે ફંડ એકઠું કરીને બચ્ચનના જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી:
દિનેશ ભાટીએ ગયા વર્ષે સુરત મહાનગરપાલિકાના સહયોગથી અમિતાભના જન્મદિને નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું:
સુરત: ૧૧મી ઓક્ટોબર એટલે સદીના મહાનાયક અને બોલીવુડના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનનો જન્મદિવસ. દેશવિદેશમાં વસતા ‘બિગ બી’ના લાખો ચાહકો તેમના જન્મદિવસને ધામધૂમથી પોતપોતાની રીતે ઉજવતા હોય છે. સુરતમાં રહેતા અને અમિતાભ બચ્ચનના જબરા ફેન એવા દિનેશ મૂલચંદજી ભાટી છેલ્લા ૨૦ વર્ષથી કેક અને મીઠાઈ વહેંચી પોતાના મિત્રો-પરિવાર સાથે ‘બિગ બી’નો જન્મદિન ઉત્સાહપૂર્વક ઉજવે છે. પરંતુ તેમણે આ વર્ષે સેવાના ભાવ સાથે લમ્પી વાયરસથી પીડિત બીમાર ગાયોની સારવાર માટે ફંડ એકઠું કરીને અમિતાભ બચ્ચનના જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી હતી. રાજસ્થાનમાં આવેલી ગૌશાળામાં તે ધનરાશિને જમા કરશે અને જેના થકી લંબી વાયરસથી પીડિત ગાયોને દવા અને સારવાર મળી શકશે. ગયા વર્ષે કોરોનાકાળમાં વેક્સીનેશન કેમ્પ યોજીને તેમણે સૌની સરાહના મેળવી હતી. સુરતના ભાગળ વિસ્તારમાં દિનેશભાઈ ભાટી ગોપચેન બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દિનેશભાઈ ભાટીએ જણાવ્યું હતું કે, મારા પિતા મુલચંદભાઈ ભાટી રિટાયર્ડ શિક્ષક છે. તેમની પ્રેરણા અને વિચારોથી આવા સેવાના કાર્ય કરૂ છું. હું માત્ર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવણી ખાતર નહીં, પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈને કોઈ રીતે મદદરૂપ થવાના હેતુથી ઉજવણી કરું છું. દિનેશભાઈ જણાવે છે કે, ગયા વર્ષે સુરત મહાનગરપાલિકાના સહયોગથી અમિતાભના જન્મદિને નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં લોકોએ ઉત્સાહભેર રસી મૂકાવી હતી. હવે આ વર્ષે લમ્પી વાયરસથી પીડાતી ગાયોની સારવાર અને દવા આપી શકાય એ માટે ફંડ એકત્રિત કરી રહ્યા છીએ.