
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મોટા સુકાઆંબા ગામના અસરગ્રસ્ત પરિવારોની ૧૭ વ્યક્તિઓને સરકારી વિવિધ સહાય ચૂકવાઇ;
જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય ચૂકવણી ઉપરાંત બહેનો બાળકો માટે કપડાં અને રાશન કિટ્સનું વિતરણ;
નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિમાં જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆબા ગામે તળાવ ફાટવાથી ચાર ઘર તણાઇ ગયા હતા. આ ચાર પરિવારને અને બીજા ૧૨ જેટલાં ઘરમા પાણી ભરાવાથી ઘરવખરી તણાઇ ગઇ હતી. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને અન્ય પદાધિકારીઓના હસ્તે ગત બુધવારે અસરગ્રસ્ત પરિવારની બહેનોને બે જોડી કપડાં તેમજ નાના બાળકોને પણ કપડાં સહિત રાશન કિટ્સનું વિતરણ કરાયું હતું.
તદઉપરાંત ઉક્ત અસરગ્રસ્ત પરિવારોની ૧૭ વ્યક્તિઓને ઘરવખરી, કપડાં, મકાન અને પશુસહાય સહિત કુલ રૂા.૫,૮૨,૬૦૦ ની સહાય ઉપરાંત ૨૧ વ્યક્તિઓને કેશડોલ્સ સહાય પેટે રૂા.૫,૫૮૦/- ની રકમ ચુકવવામાં આવી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી હંસાબેન મથુરભાઈ, તાલુકા પંચાયતના મંડાળાના સદસ્યશ્રી સંજયભાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.એ.વસાવા, નિવાલ્દા ગામ પંચાયતના સરપંચશ્રી ધરમસિંહભાઈ, શ્રી જીવણભાઈ પરમાર, મોટા સુકાઆંબા ગામના પૂર્વ સરપંચશ્રી મોહનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.