
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નેત્રંગ તાલુકાના યુવા ભાજપ મહામંત્રીનું અકસ્માતમાં અવસાન;
સાંસદ મનસુખભાઇ વસાવા સહિત ગ્રામજનો અંતિમયાત્રામાં જોડાયા;
રમણપુરા પાસે ટ્રેક્ટર સાથે અકસ્માતમાં યુવાનનું મોત;
નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રીનું અકસ્માતમાં કરૂણ મોત નિપજતા પરીવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. મૃતક ની નીકળેલી અંતિમયાત્રામાં સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના જીન બજાર બજાર વિસ્તારમાં રહેતા ગુરૂજીભાઇ ગોમાભાઇ વસાવાનો પુત્ર પ્રતિકકુમાર ઉર્ફે ચકો વસાવા નેત્રંગ તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરીકે સંગઠનનું કામ કરતો હતો.
ગત રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ નં જીજે-૧૬ બીએ-૯૫૭૦ લઇને નેત્રંગ -ડેડીયાપાડા રોડ ઉપર આવેલ શણકોઇ ગામ નજીક ગજાનન હોટલમાં પરીવાર માટે જમવાનું લેવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતા રમણપુરા ગામના બસસ્ટેન્ડ પાસે ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર રોડ ઉપર પાર્કિંગ લાઇટ, સિગ્નલ અને રેડીયમ નહીં લગાવી રોડ ઉપર ઉભું રાખ્યું હતું. પોતાની મોટર સાઇકલ લઇને પાછળના ભાગે ચકાભાઇ વસાવા અથડાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફ્તે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ જવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર દરમ્યાન ચકાભાઇ વસાવાનું કરૂણ મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની ઘટનની જાણ થતાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. પોતાના પરીવારના મોભીનું અકસ્માત મોત નિપજતા પરીવારના સભ્યો અને ગામજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.