શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગના મહેનતકશ ખેડૂતોના ઘર, ખેતર, અને મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટોની જાત મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:
આહવા: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ તેમની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના મહેનતકશ ખેડૂતોના ઘર, ખેતર અને પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી.
જિલ્લાના લહાન દાબદર અને જામલાપડા (રંભાસ) ગામની મુલાકાત વેળા રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, અહી ઉપજતા ખેત ઉત્પાદનો, તેના મૂલ્ય વર્ધિત પ્રોસેસ સાથે પશુપાલન પ્રવૃત્તિની ખેડૂતો-પશુપાલકોથી જાતમાહિતી મેળવી હતી.
અહીની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા સાથે કેટલાક સંશાધનોની મર્યાદામાં સ્થાનિક સ્તરની ખેતી અને પશુપાલનમાંથી મોટાપાયે થતી રોજ્ગારી સર્જનથી રાજ્યપાલશ્રી અભિભૂત થયા હતા. તેમજ સ્થાનિક પધ્ધતિ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.
લહાન દાબદર ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ભોયે પરિવારના ઘર અને ખેતરની મુલાકાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ કરી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા ભોયે બંધુ સર્વશ્રી સીતારામ, રજીનભાઈ, કાશીરામભાઈ અને કૃષ્ણ સુરેશભાઈ દ્વારા તેમની ૪ હેક્ટરથી વધુ જમીનમાં સ્થાનિક દેશી જાતમાં વિવિધ પ્રકારની ડાંગર, રાગી, અડદ, તુવર, મગફળી, શાકભાજી સાથે ફળોની ખેતી કરવામાં આવે છે. ડાંગી જાતની ગાય સહિત ૨૬ જેટલા પશુધન પાળી વર્ષે ૪ હજાર લીટર દૂધનું પણ ઉત્પાદન મેળવે છે.
રાજ્ય સરકારના બાગાયત સહિતના વિભાગો તરફથી વિવિધ યોજનાઓની સહાય પણ ભોયે પરિવારે મેળવી છે, અને તેના થકિ તેમના જીવનમાં તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે.
રાજય સરકારની સહાય વડે જમલાપાડા (રંભાસ) ખાતે બીરારી પરિવારે અંબિકા હળદર ફાર્મ વિકસાવ્યું છે. આ ફાર્મની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઇ, જાત માહિતી મેળવી હતી. આ ફાર્મમાં ખેડૂત કાશીરામભાઈ ગમજ્યાભાઈ, ફાર્મના પ્રોપરાઈટર શ્રીમતી દક્ષાબેન, પુત્રો પુષ્પક, બ્રિજેશ, પુત્રવધુ ભૂમિકા દ્વારા દેશી પદ્ધતિથી હળદરની ખેતી કરવામાં આવે છે, અને હળદરના પાકનું મૂલ્યવર્ધિત પ્રોસેસ કરે છે. જેથી તેમને વધુ આવક મળી રહે છે. સાથે અહી ગુણવત્તાયુક્ત મસાલા પાકો, ઔષધીય પાકો, કઠોળ પાકોનું પણ પૂરી માવજતથી ઉત્પાદન લેવામાં આવે છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મિશન મંગલમ પ્રોજેક્ટ હેઠળ દક્ષાબેને મહિલાઓના સખી મંડળનું પણ ગઠન કર્યું છે, અને તેના ૨૫ જેટલા સભ્યોને આજે ઘર આંગણે રોજગારી મળી રહી છે.
જામલાપાડા ખાતે વર્ષ ૨૦૦૭ થી કાજુ પ્રોસેસિંગ યુનિટ પણ શરુ કરવામાં આવ્યું છે. શ્રી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ સહિત નાગલી ધાન્યની વિવિધ બનાવટો, કેરીનો રસ, અથાણા, મુરબ્બા અને જામ બનાવી વેચાણ કરવામાં આવે છે. આ માટે આઉટ લેટ પણ કાર્યરત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૦ થી બાયફ સંસ્થા અને નાબાર્ડના સહયોગથી ડાંગ જીલ્લાના ૧૯ ગામોની ૭૫૦ એકર જમીનમાં વાડી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે. જેમાં કાજુ, આંબાના વાવેતર થકી ફળોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ માટે મંડળીઓ કાર્યરત કરવામાં આવી છે. આ મંડળીઓને બાગાયત વિભાગ તરફથી કાજુના પ્રોસેસ માટે બોઈલર, ડ્રાયર, કટર જેવા મશીનો, ગ્રેડિંગ ટેબલ, ડ્રમ સાથે સીલીંગ અને પેકિંગ મશીનોના યુનિટ ૯૦ ટકા સહાય સાથે આપવામાં આવ્યા છે. જેના કારણે આજે ગામેગામ ઘર આંગણે સ્થાનિકોને રોજગારી ઉપલબ્ધ થઇ છે.
રાજ્યપાલશ્રીની ગ્રામ્ય વિસ્તારની આ મુલાકાત દરમિયાન ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, ખેતી, બાગાયત અને પશુપાલન સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ઉપસ્થિત રહી પૂરક જાણકારી પુરી પાડી હતી.
–