શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ:
વ્યારા-તાપી: તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામીત, અને સુનિલભાઇ ગામીતની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના ઠરાવ અનુસાર દુકાન મંજુરી માટે અગ્રતાક્ર્મ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં તાપી જિલ્લાના લીંબી,વાગદા, ઉચ્છલ-૧ અને ટોકરવા ગામ માટે જાહેર સંસ્થા કે મંડળ, મહિલાઓના સ્વસહાય જુથ, સહકારી મંડળીઓ, શિક્ષિત બેરોજગાર મહિલાઓ કે પુરુષો દ્વારા વિવિધ અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓ ઉપર સરકારશ્રી દ્વારા નક્કી થયેલા ધારાધોરણો, નિયમો, લાયકાતોનો યોગ્ય અભ્યાસ કરી તમામ અરજીઓના અગ્રતા ક્ર્મ નક્કી કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી વઢવાણિયા એ તમામ ધારાસભ્યશ્રીઓને તાપી જિલ્લા વહિવટી તંત્ર અને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં ઉદભવતી કોઇ પણ સમસ્યા કે નાગરિકોના પ્રશ્નોને હકારાત્મક રીતે લઇ ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે એમ ખાત્રી આપી હતી.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા દ્વારા ગ્રામ્યકક્ષાએ નાગરિકોને રેશન કાર્ડ અંગે આવતા પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં એક કાર્ડમાંથી નામ અલગ કરી નવા રેશન કાર્ડ કઢાવે છે ત્યારે કાર્ડ ધારકોને બીપીએલની જગ્યાએ એપીએલ કાર્ડ મળતા નાગરિકોને અનાજ મેળવવા મુશ્કેલી પડી રહી હોવા અંગે જણાવ્યુ હતું. ધારાસભ્યશ્રી સુનિલભાઇ ગામીત દ્વારા જાનકી ગામ, મેઢા ગામ અને એકવાગોલણ ગામના નાગરિકો માટે દુકાનો ખુબ દુર હોઇ નજીકમાં અલગ બ્રાંચ શરૂ કરવા રજુઆત કરવામાં આવી હતી.
આ અન્વયે જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલીયા દ્વારા કાર્ડ અંગેનો પ્રશ્ન ટેકનિકલ ખામી ના કારણે આખા રાજ્યનો પ્રશ્ન છે એમ જણાવી વડી કચેરી દ્વારા આ બાબતે લેવાયેલ પગલા અંગે સૌને માહિતગાર કર્યા હતા. તથા આવા પ્રશ્ન ધરાવતા નાગરિકો દ્વારા કરવામાં આવતી દાવા અરજીને બે દિવસમાં મંજુર કરી નાગરિકોના પ્રશ્નો ત્વરિત હલ કરવાનો પ્રયાસ તાપી જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે એમ સૌને અવગત કરવામાં આવ્યા હતા. ઉપરાંત નાગરિકોના પ્રશ્નો અંગે જરૂરી પગલા તાત્કાલિક લેવામાં આવશે એમ પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવાયું હતું.
આ બેઠકમાં ન.પા. પ્રમુખ સેજલ રાણા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા સહિત ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.