
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨
તાપી જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો:
વ્યારા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ૧૯૪૭ લાભાર્થીઓને ૩.૩૮ કરોડના લાભો અર્પણ કરાયા,
ચાલુ વર્ષ દરમિયાન તાપી જિલ્લાના ૪૨૦૦૦ લાભાર્થીઓને ૯૬.૧૫ કરોડના લાભો એનાયત કરાયા,
તાપી જિલ્લાના ખેડૂતો માટે સુગર ફેકટરી ચાલુ કરવા ૩૦ કરોડની સહાય મંજૂર:- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ
તાપી જિલ્લામાં વિકાસના કામો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગુણવત્તા યુક્ત કામો થઇ રહ્યા છે:
તાપી જિલ્લાના નાના-મોટા પ્રશ્નો માટે અધિકારીઓ/પદાધિકારીઓ સૌ સાથે મળીને હલ કરવાની ખાતરી આપતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
“દરેક સહાયનો ઉપયોગ લાભાર્થી દ્વારા યોગ્ય રીતે થાય ત્યારે જ સરકારનો ઉદ્દેશ્ય સાર્થક થશે:”-કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
વ્યારા-તાપી: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (શ્યામાપ્રસાદ ટાઉન હોલ/સયાજી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને તાપી જિલ્લા પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતરિયાળ વિસ્તારના લોકો માટે એક જ સ્થળે અને એક જ દિવસે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને વચેટીયાઓને નાબુદ કર્યા છે. દરેક યોજનાઓને આધારકાર્ડથી લીંક કરીને સાચા લાભાર્થી સુધી સરકારની સહાય સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં જિલ્લાની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહયું હતું કે, તાપી જિલ્લામાં વિકાસના કામો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગુણવત્તા યુક્ત કામો થઇ રહ્યા છે. વધુમાં કોરોના કાળમાં આરોગ્ય વિભાગની ટીમે પ્રથમ અને બીજા તબક્કામાં સો ટકા વેક્સિનેશનની કામગીરી પ્રસંશનિય રીતે પૂર્ણ કરી છે.
તાપી જિલ્લાના નાના-મોટા પ્રશ્નો માટે અધિકારીઓ/પદાધિકારીઓ સૌ સાથે મળીને હલ કરવાની ખાતરી આપતા મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે બંધ સુગર ફેકટરીને ફરી કાર્યરત કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રૂા.૩૦ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. તેમજ ટોલનાકાને મહારાષ્ટ્રમાં ખસેડવાની કાર્યવાહી ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ લાભાર્થીઓને અભિનંદન પાઠવી સહાયનો સદઉપયોગ કરવા ખાસ આગ્રહ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારના વિકાસનો હું સાક્ષી રહ્યો છું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબોનુ જીવન ધોરણ ઉચું લાવવા અને સુખાકારી વધારવા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. જેના થકી નાના-મોટા ધંધા-રોજગાર વડે નાગરિકો પગભર બન્યા હતા અને આજના મેળાના તમામ લાભાર્થીઓ પણ વિવિધ સહાય થકી પ્રગતિ કેરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજરોજ તાપી જિલ્લામા ૨૨ જેટલા વિભાગો દ્વારા કુલ ૧૯૪૭ લાભાર્થીઓને ૩.૩૮ કરોડથી વધુના લાભો આપવામાં આવ્યા છે. ગરીબ કલ્યાણ મેળાઓ એક અભિયાન રૂપે શરૂ કરવામાં આવ્યા હતા. ભુતકાળમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા લાભાર્થીઓને ધંધા-રોજગારીની ઉન્નત કરવા માટે વિવિધ લાભો આપવામાં આવ્યા છે. આ લાભો થકી લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવી શક્યા છે. વધુમાં તેમણે દરેક લાભાર્થીને સરકાર વતી મળેલ લાભ /સહાય/ ચેકનો ઉપયોગ વિવિકપુર્વક અને મહેનત થકી રોજીરોટી વધારવા આહવાન કર્યું હતું. તેમણે દરેક સહાયનો ઉપયોગ લાભાર્થી દ્વારા યોગ્યરીતે થાય ત્યારે જ સરકારનો ઉદ્દેશ્ય સાર્થક થશે એમ ઉમેર્યું હતું. અંતમાં તેમણે તાપી જિલ્લાના નાગરિકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ માટે જે લોકો બાકી હોય તેઓને વહેલી તકે રસી લઇ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાપી જિલ્લાના વિવિધ ૨૨ જેટલા વિભાગો જેમાં આદિજાતી વિભાગ દ્વારા સાયકલ સહાય, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા મિશનમંગલમ યોજના હેઠળ ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસની ચાવી, ખેતીવાડી વિભાગ દ્વારા કિશાન પરિવહન યોજના હેઠળ માલવાહક વાહનની ચાવી, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ચુકવણા હુકમ, જિલ્લા ખેતીવાડી શાખા હેઠળ ભીંડાની ફ્રી ઇનપુટ કીટ, પશુપાલન વિભાગ દ્વારા ઇલેકટ્રીક ચાફકટર, પશુદાણ, વિવિધ સાધનો, મત્સ્ય વિભાગ દ્વારા બોટ અને માછલી પકડવાની જાળ, સાયકલ, મહેસુલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ મંજુરી પત્રો, ગંગાસ્વરૂપ સહાય યોજનાના મંજુરી પત્રો, પુરવઠા વિભાગ દ્વારા ઉજ્જ્વલા ગેસ કનેકશન યોજના હેઠળ ગેસનો ચુલો તથા અન્ય સામગ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનાના મંજુરી પત્રો, આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય અને નિરામય આરોગ્ય કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારીત વિભાગ દ્વારા પાલક માતા પિતા યોજના હેઠળ મંજુરી પત્રો, ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ રોજગાર-ધંધાની કીટ જેવા વિવિધ વિભાગના લાભાર્થીઓને સહાય/કિટ/ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે તાપી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ૪૨,૦૦૦ થી વધુ લાભાર્થીઓને કુલ-૯૬.૧૫ કરોડના વધુ જુદી-જુદી યોજનાના લાભો, કીટ્સ, સહાય પત્રો વિગેરે એનાયત કરવામાં આવ્યા છે. જે પૈકી મેળા પહેલા ૨૮,૩૧૭ લાભાર્થીઓને રૂા.૭૮ કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે આજરોજ ગરીબ કલ્યાણ મેળા નિમિત્તે કુલ ૧૯૪૭ લાભાર્થીઓને ૩.૩૮ કરોડથી વધુના લાભો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદ ખાતેથી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમનુ જીવંત પ્રસારણ તથા ગરીબ કલ્યાણ મેળાના ફિલ્મ નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
કાર્યક્રમના અંતે આભારદર્શન જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હ્તું. કાર્યક્રમમાં તમામ લાભાર્થીઓ, અધિકારી/કર્મચારીઓ તથા પત્રકારમિત્રો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મદદ.કમિ.એચ.એલ.ગામીત, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, મામલતદાર દિપક સોનાવાલા, જિલ્લા મદદનીશ નિયામક મત્સ્યોદ્યોગ અશોક પટેલ, જિલા ઉદ્યોગ કેદ્રં યજ્ઞેશ પાવાગઢી, માર્ગ મકાન કા.પા.ઇ મનિષ પટેલ, મદદનીશ કમિશ્નર, ચીટનીશ બી.બી.ભાવસાર, આદિજાતિ- એચ.એલ.ગામીત, સહિત અધિકારીઓ/કર્મચારીઓન સુદ્રઢ આયોજન થકી કાર્યક્ર્મ સુપેરે પાર પડ્યો હતો.
અ પ્રસંગે ન.પા. પ્રમુખ સેજલ રાણા, સંગઠન પ્રમુખ ડૉ.જયરામ ગામીત, વિક્રમ તરસાડીયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.