શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા ક્ષય અધિકારી તરીકે બઢતી મેળવી બઢતીવાળી જગ્યાનો હવાલો સંભાળતા ડૉ.ઝંખનાબેન વસાવા:
રાજપીપલા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.ઝંખનાબેન એમ.વસાવાની નર્મદા જિલ્લાના ક્ષય અધિકારી(વર્ગ-૧) તરીકે બદલી સાથે બઢતીથી નિમણૂંક થતાં ડૉ.ઝંખનાબેન એમ.વસાવાએ તાજેતરમાં રાજપીપલા ખાતે તેમની બઢતીવાળી જગ્યાનો હવાલો સંભાળી લીધેલ છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામના વતની ડૉ.ઝંખનાબેન વસાવાએ એમ.બી.બી.એસ. ની પદવી મેળવ્યા બાદ સને-૨૦૦૫ માં તિલકવાડા તાલુકાના અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તરીકેની સેવાઓમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ડૉ.ઝંખનાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ મેડીકલ ઓફિસર તરીકે સેવાઓ આપી હતી અને આશરે છેલ્લા આઠેક વર્ષની તેમની લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેની સેવાઓ દરમિયાન સરકારશ્રીની આરોગ્ય અને જન-સુખાકારીલક્ષી યોજનાઓ અને તે અંગેના ખાસ કાર્યક્રમોના સઘન અમલીકરણમાં તેઓશ્રીનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. નર્મદા જિલ્લાના તેમના ઉક્ત સેવાકાળ દરમિયાન સાગબારા અને ગરૂડેશ્વર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર તરીકેની વધારાના હવાલાની જવાબદારીઓ પણ તેમણે સુપુરે નિભાવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડૉ.ઝંખનાબેન વસાવાએ તેમની ઉક્ત તબીબી સેવાઓ દરમિયાન ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક હેલ્થ-ગાંધીનગર ખાતે ડિપ્લોમા-ઇન-પબ્લીક હેલ્થ મેનેજમેન્ટની ખાતાકીય તાલીમ પણ મેળવેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આરોગ્ય સુવિધાઓ અંતર્ગત નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ ક્ષેત્રે જિલ્લાના લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પુરસ્કૃત કરાયું હતું. તેવી જ રીતે સને ૨૦૧૯-૨૦ ના વર્ષના કાયાકલ્પ એવોર્ડ અંતર્ગત લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા સાથે પુરસ્કૃત કરાયું હતું. આમ, નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવાઓ ક્ષેત્રે ડૉ.ઝંખનાબેન વસાવાના વિશેષ પ્રદાનની રાજ્ય અને જિલ્લાકક્ષાએ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલી વિશેષ નોંધ થકી તેમની કામગીરીને બિરદાવાઇ છે.