વિશેષ મુલાકાત

જિલ્લાઓમાં સર્જાયેલી પુર સ્થિતિની સમીક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી પુર સ્થિતિની સમીક્ષા બુધવારે મોડી સાંજે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી.

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રીએ વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં મેળવી હતી.

 મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન તેમ જ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, વરીષ્ઠ સચિવો, આ બેઠકમાં જોડાયા હતા.

 અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોએ તેમના જિલ્લાઓમાં કેશડોલ્સ ચૂકવણી અને ઘરવખરી સહાય આપવાની કામગીરી ત્વરાએ હાથ ધરાશે તેની મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપી હતી.

આ જિલ્લાઓમાં અન્ય માલમિલકત તથા ખેતીવાડીને થયેલા નુકસાનીનો પ્રાથમિક સર્વે પણ વરસાદ રહી જતાં હવે આગામી દિવસોમાં હાથ ધરવા માટે જિલ્લા સ્તરે સર્વે ટીમ કાર્યરત કરવાના આયોજનથી પણ સંબંધિત કલેક્ટરોએ મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

વરસાદે વિરામ લીધા પછી હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ-માટી-કાંપ દૂર કરવા, માર્ગોની મરામત કરવા સાથે આડશો દૂર કરવી, પાણીનું ક્લોરિનેશન, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને રોગચાળો ફેલાતો અટકાવવા અને અન્ય આરોગ્યલક્ષી પગલાંઓ પણ વેગવાન બનાવવામાં આવી રહ્યા છે, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરોએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે ત્વરિત ધોરણે હાથ ધરીને પ્રાથમિક અંદાજો તૈયાર કરવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય મળે તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સતત સંકલનમાં રહેવા દરેક જિલ્લા કલેક્ટર્સને જણાવ્યું હતું.

મુખ્ય સચિવશ્રી રાજકુમારને રાજ્ય સ્તરે સંબંધિત વિભાગો સાથે આ અંગે વિગતવાર આયોજન માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है