
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સુશાસનના પાંચ વર્ષ અંતર્ગત:
આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાનો આત્મવિશ્વાસ સાથે ટેક્નોક્રેટ બની રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જોડાય તે ખુબ જરૂરી છે.- વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
…………….
સરકારે મહત્તમ ઉદ્યોગો સ્થાપી દરેક યુવાનને રોજગારી મળે તેવું ભગીરથ કાર્ય કર્યું છે: -ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા
……………….
સરકારે તમામ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી કરી ભરતી પ્રક્રિયાને પારદર્શી બનાવી તે યુવાધન પ્રત્યેની સંવેદના દર્શાવે છે: – કલેકટર એચ.કે.વઢવાણિયા
તાપી જિલ્લામાં “રોજગાર દિવસ” યોજાયો: ૨૦૧ યુવાનોને નિમણૂંકપત્રો અપાયા;
વ્યારા-તાપી: આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાનો આત્મવિશ્વાસ સાથે ટેક્નોક્રેટ બની રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જોડાય તે ખુબ જરૂરી છે. એમ રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષના રાજ્યવ્યાપી સેવાયજ્ઞ નિમિત્તે આજે છઠ્ઠા દિને વ્યારા ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી હોલમાં યોજાયેલ રોજગાર નિમણુંક પત્રો આપવાના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી રાજ્ય વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હ્તું.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા યુવાનોને રોજગારી મળી રહે તે માટે ભરતી મેળા યોજી જુદા-જુદા સરકારી વિભાગો તેમજ ખાનગી ક્ષેત્રેમાં નોકરીની વિપુલ તકો ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલુ જ નહી કોરોના કાળમાં પણ ઓનલાઇન ભરતી મેળા યોજી રોજગાર વાંચ્છુઓને ઘર બેઠા રોજગારીની તકો પુરી પાડી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના “હર હાથકો કામ”ના મંત્રને સાર્થક કરવાના સફળ પ્રયાસો હાથ ધરાયા છે.
વધુમાં જણાવ્યું કે, ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે. ત્યારે વિશ્વની નજરમાં આપણા યુવાનો પાછળ ન રહી જાય તે માટે સરકારે કૌશલ્યવર્ધક તાલીમ આપીને સ્વાવલંબી બનાવ્યા છે. સરકાર લોકોની મરજી મુજબ કામ કરી રહી છે. નિમણુંક પામેલા ઉમેદવારોને પોતાના ક્ષેત્રમાં સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરી સશક્ત સમાજ નિર્માણમાં યથાશક્તિ યોગદાન આપે તે ખુબ જરૂરી છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ કોરોના કાળમાં તાપી જિલ્લા વહિવટી તંત્રએ કરેલ કામગીરીની સરાહના કરી હતી. અધ્યક્ષશ્રીએ નિમણુંક પામેલ ઉમેદવારોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રોજગાર દિવસ નિમિત્તે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના યુવાનો રોજગારી મેળવે તે માટે રાજ્ય સરકારે રોજગાર કચેરીના માધ્યથી વિવિધ ભરતી મેળા, કૌશલ્યવર્ધન તાલીમ કેમ્પો, ઇન્ટરવ્યુ અને ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન જેવી સેવાઓ પુરી પાડી શિક્ષિત યુવાનોને વિવિધ ક્ષેત્રે રોજગારી મેળવવા પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે પર્યટન વિભાગ દ્વારા ઇકો ટુરીઝમ, ધાર્મિક સ્થળો, વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ઔદ્યોગિકરણ જેવા અનેક પ્રયાસોથી નવીન રોજગારીની તકો ઉભી કરી ગુજરાતનો દરેક યુવાન રોજગારી મેળવે તેવુ ભગીરથ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયાએ સૌને આવકારતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે વિવિધ સરકારી અને ખાનગી ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તકો ઉભી કરી છે અને ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવી તે યુવાધન પ્રત્યેની સંવેદના દર્શાવે છે. તાપી જિલ્લામાં આજે સરકારી નોકરીઓ ૬૯, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ૫૨, ખાનગી ક્ષેત્રમાં ૨૧૬, ઉચ્ચ શિક્ષણ વિભાગ ૧૨, આઉટસોર્સીંગ એજન્સી ૭૯, સરકારી નોકરીઓમાં શિક્ષણ વિભાગ-૫૨, ડીજીવીસીએલમાં ૧૨, આઈ.ટી.આઈ.૦૪, સિંચાઈ વિભાગ ૦૧ મળી આજે કુલ ૨૦૧ લાભાર્થીઓને રોજગારી આપવામાં આવી છે. તેમણે યુવાનોને રોજગાર મળતા આટલાથી સંતોષ ન માનતા ઉચ્ચ તક મળે તે માટે સખત મહેનત કરી ઉચ્ચતમ કારકિર્દીનું ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. તેમજ નિમણુંક પામેલ ઉમેદવારોને પોતાના ક્ષેત્રમાં સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરી સશક્ત સમાજ નિર્માણમાં સહભાગી થવા જણાવી ઉચ્ચતમ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨૦૧ ઉમેદવારોને રોજગાર નિમણુંક પત્રો એનાયત કરાયા હતા.
કાર્યક્રમના અંતે ડોલવણ આઇટીઆઇ આચાર્યશ્રી એચ.બી.પટેલે આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર અધિકારી એન.ડી.ભીલ, વિનોદ મરાઠે, સાવિત્રીબેન ગામીત, વિરલ ચૌધરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયા, નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાંત અધિકારી હિતેશ જોષી, રોજગાર અધિકારી એન.ડી.ભીલ, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, ન.પા.પ્રમુખ સેજલબેન રાણા, મહિલા મોરચા પ્રમુખ નીલાબેન પંડ્યા, સ્ટેંડીંગ કમિટીના ચેરમેન કુલીન પ્રધાન, પક્ષ મહામંત્રી વિક્રમ તરસાડીયા, મહામંત્રી પંકજભાઇ ચૌધરી, તમામ આઇટીઆઇ નોડલ અધિકારી શિલ્પાબેન ચૌધરી, સહિત પદાધિકારીઓ તથા લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.