શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી-સ્ટાફ અને પોલીસ-GRD જવાનો ધ્વારા ICU વોર્ડના પાંચ દરદીઓને કોઇપણ જાનહાની વિના સલામત સ્થળે ખસેડાયા,
રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ – નિદર્શન,
રાજપીપલા, નર્મદા:- જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળે ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી-સ્ટાફે અને પોલીસ-GRD ના જવાનો-કર્મીઓએ ICU વોર્ડમાં સારવાર હેઠળના તમામ પાંચ દરદીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી હોસ્પિટલના ભોય તળીયેના ભાગે લાવીને તેઓને કોઇપણ જાનહાની વિના સલામત સ્થળે પહોંચાડવા ઉપરાંત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં સફળતા મળી હતી.
તા.૨૯ મી એ રાત્રે આશરે ૮:૪૭ કલાકના સુમારે સર્જાયેલી આગની આ દુર્ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની થવા પામી નહોતી. કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના ICU વોર્ડમાં સારવાર હેઠળ કુલ-૫ (પાંચ) દરદીઓ હતાં. ફરજ પરના ફીઝીશીયન ડૉ.જે.એલ.મેણાતે તમામ દરદીઓની ફરીથી તપાસ કરી હતી. જેમાં ઓક્સિજન સાથેના ૩ દરદીઓ પૈકી ૧ દરદીને વડોદરા SSG હોસ્પિટલ ખાતે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત તુરંત મોકલવામાં આવ્યાં હતાં જ્યારે અન્ય ૧ દરદીની ઇચ્છા મુજબ રાજપીપલાની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયાં હતાં જ્યારે ત્રીજા દરદીને હોસ્પિટલની બાજુની કોલેજ બિલ્ડીંગમાં શિફ્ટ કરાયાં હતાં તદ્ઉપરાંત ઓક્સિજન વિનાના એક ચોથા દરદીને આગના ધુમાડાને કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફને લીધે બાજુની કોલેજ બિલ્ડીંગમાં તેમજ અન્ય પાંચમાં દરદીને બાજુની બોય્ઝ હોસ્ટેલમાં સલામત રીતે શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. ફરજ પરના ફીઝીશીયને તમામ દરદીઓના સગાસંબંધીઓને આ દુર્ઘટના અંગે ટેલીફોનીક વાત કરીને તેમના સ્વજનોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. આમ, આકસ્મિક રીતે લાગેલી ઇલેક્ટ્રીક આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.
સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે યોજાયેલી ઉક્ત મોકડ્રીલ સંદર્ભે હોસ્પિટલમાં આગની દુર્ઘટના બનવાની સાથે ડ્યુટી સ્ટાફ નર્સ સીસ્ટરે બીજા સ્ટાફ નર્સને જાણ કરવા ઉપરાંત ડ્યુટી મેડીકલ ઓફિસરને પણ તુરંત જાણકારી પહોંચાડી હતી. ICU વોર્ડમાંથી દરદીઓને બહાર લાવી સ્ટ્રેચર ઉપર સૂવડાવીને તુરંત જ આ દરદીઓ માટે ઓક્સિજનનો પુરવઠો ચાલુ કરાંયો હતો. ડ્યુટી મેડીકલ ઓફિસર્સશ્રીએ RMO-ફીઝીશીયન અને CDMO ડૉ.જ્યોતિબેન ગુપ્તાને આ આગ દુર્ઘટનાની જાણ કરતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. ડ્યુટી સ્ટાર્ફ નર્સે કોવિડ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરીને ઇલેક્ટ્રીશયન, ફાયર ફાઇટર, પ્લમ્બર અને PIO ને પણ સત્વરે જાણ કરવાનો સંદેશો પહોંચાડ્યો હતો. RMO ડૉ.તળપદાએ ફાયર ફાઇટર ટીમને ફોન કરીને તુરંત રાહત બચાવ કામગીરી માટે બોલાવી લીધા હતાં. CDMO ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ DYSP, નગરપાલીકાના ચીફ ઓફિસર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, જિલ્લા માહિતી વિભાગ ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ ઉક્ત ઘટનાની તાત્કાલિક ટેલીફોનીક જાણકારીથી વાકેફ કર્યા હતાં. તેની સાથોસાથ જિલ્લાના CDMO ધ્વારા આરોગ્ય વિભાગની ઉપલી કચેરીઓને પણ આ ઘટનાથી વાકેફ કરાઇ હતી.
ઉક્ત ઘટનાની જાણકારી મળતાની સાથે સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, RMO ડૉ.એલ.ડી.તળપદા, ફીઝીશીયન ડૉ.જે.એલ.મેણાત, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઝંખનાબેન વસાવા, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠા સહિત અન્ય બાબતોની કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ડ અધિકારીશ્રી બી.કે.પટેલ, શ્રી એન.યુ.પઠાણ, શ્રી એ.આઇ.હળપતિ, ડીઝાસ્ટર મામલતદારશ્રી મકવાણા, ડીઝાસ્ટરના DPO શ્રી સહેબલ સરકાર, ચીટનીશ શ્રી એસ.એલ.સોની, નાંદોદ મામલતદારશ્રી સી.એલ.ડિંડોર વગેરે ઘટના સ્થળે તાબડતોબ ધસી આવ્યાં હતાં અને રાહત બચાવની કામગીરીમાં જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે હોસ્પિટલની બાજુના કોલેજ બિલ્ડીંગ અને બોય્ઝ હોસ્ટેલમાં શિફ્ટ કરાયેલા દરદીઓની મુલાકાત લઇ તેમણે આ દરદીઓની સ્થિતિ અને અપાઇ રહેલી સારવાર અંગેનું નિરીક્ષણ કરી હોસ્પિટલના તબીબો પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી. ત્યારબાદ ICU વોર્ડના આગ દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લઇ આ દુર્ઘટનાના પ્રાથમિક તારણોની પણ જરૂરી ચર્ચા અને વિચાર-વિમર્શ કર્યો હતો. આમ, આ તમામ એજન્સીઓ ધ્વારા સમયસર ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સુચારૂ રૂપે પાર પડાઇ હતી.
ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આગની આ દુર્ઘટનાની રાહત બચાવની કામગીરીના અંતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના નેતૃત્વ હેઠળ રાહત બચાવની કામગીરીમાં જોડાયેલા સંબંધિત વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે યોજાયેલી ડી-બ્રીફીંગ બેઠકમાં આ દુર્ઘટનાના કારણો ઉપરાંત રાહત બચાવની કામગીરી સંદર્ભે ઓબ્ઝર્વેશન-નિરીક્ષણમાં આવેલી કેટલીક બાબતો અંગે નિખાલસતાથી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને ભવિષ્યમાં આવી દુર્ઘટના સર્જાય ત્યારે તેની રાહત બચાવની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની રહે તે દિશાના રચનાત્મક સુચનો સાથે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.