શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતી ઇરાનીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ ઝોનલ-સબ ઝોનલ મીટ;
એકતાનગર ખાતે ગુજરાત રાજયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજના અંતર્ગત થયેલ ૮ વર્ષની કામગીરીની સમીક્ષા કરી;
નર્મદા: એકતાનગર ટેન્ટ સિટી ખાતે ઝોનલ અને સબ ઝોનલ મીટ અંતર્ગત કેન્દ્ર સરકારના ૮ વર્ષ સફળતાપુર્વક પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં ઉજવણી થઇ રહી છે,તે અંતર્ગત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા અમલી યોજનાઓની ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની અને તેમાં પણ ખાસ કરીને એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટમાં થઇ રહેલી કામગીરીની કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ કેબીનેટ મંત્રી શ્રીમતી સ્મૃતી ઇરાનીએ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસના રાજયમંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેમની વિવિધ કામગીરીઓની આઠ વર્ષની ઉપલબ્ધિઓ અંગેનો “આઉટ રીચ પ્રોગ્રામ ઓન ૮ યર્સ અચિવમેન્ટ” અંતર્ગત આજે SOU એકતાનગર ટેન્ટસિટીના કોન્ફરન્સ હોલ ખાતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતી ઇરાનીની અધ્યક્ષતામાં નર્મદા જીલ્લામાં હાલમાં મહિલાઓ અને બાળકો માટેના ગુજરાત સરકાર દ્વારા અમલી કરાયેલા વિવિધ પ્રોજેકટ અને આયામો અંગેના પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો હતો, આ તબક્કે ઉપસ્થિત ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં સચિવશ્રી ઇન્દેવર પાંડેએ તમામ પ્રોજેકટની ઉપલબ્ધિઓ અને પરિણામો ઉપર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો.
ઉપસ્થિત અતિથીઓ સમક્ષ નર્મદા જીલ્લાના ICDSના નાંદોદ તાલુકાના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીએ આદિવાસી બહુલ વસ્તી ધરાવતા અને ડુંગરાળ વિસ્તારમાં વિપરીત સંજોગો વચ્ચે ટેકનોલોજીનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરીને પોષણ ટ્રેકર પ્રોજેકટને સમગ્ર રાજયમાં નર્મદા જીલ્લાને કેવી રીતે અગ્રેસર રાખ્યો તેની વિગતો પૂરી પાડી હતી,સાથોસાથ આંગણવાડીની નવતર પહેલ જેવી કે, “પા-પા પગલી” અને “ઉંબરે આંગણવાડી”ના થકી ખાનગી શાળાઓમાં દાખલ થયેલા બાળકો અને સરકારી અધિકારીશ્રીઓના બાળકો પણ આંગણવાડીમાં પ્રવેશ લઇ રહ્યા છે તેની પાછળના કારણો દર્શાવતા નર્મદા જીલ્લાની આ વિશેષ ઉપલબ્ધિને કેન્દ્રીય મંત્રીશ્રીઓએ બિરદાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસના રાજયમંત્રીશ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે આયોજીત આ મીટમાં યોજનાઓ થકી પ્રાપ્ત થયેલ ઉપલબ્ધિઓની આજે સમીક્ષા કરાઇ હતી. જેમાં પોષણ અભિયાન,મિશન વાત્સલ્ય, મિશન શક્તિ સહીતના અભિયાનોના નિદર્શન બાદ આ અભિયાનોને હજી વધુ સફળ કઇ રીતે બનાવી શકાય તે માટેના સુચનો સંવાદ થકી મેળવાયા હતા. કુપોષણમાં ૮ વર્ષમાં મોટો ઘટાડો થયો છે.બાલિકાઓ પોતાના વિચારો નિર્ભયતાથી રજુ કરી તેમની સમસ્યાઓનો હલ મેળવી શકે તે માટે ગુજરાતમાં કચ્છ જીલ્લામાં પ્રાયોગિક ધોરણે ચાલી રહેલ “બાલિકા પંચાયત”નો પ્રોજેકટની સફળતા બાદ સમગ્ર દેશમાં તેની અમલવારી અંગે અભ્યાસ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી સુશ્રી ઇન્દ્રા મલ્લો, પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટરશ્રી સુશ્રી બીના યાદવ, ગુજરાતનાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુકત નિયામક શ્રીમતી અવંતીકા દરજી, યુનિસેફનાં ગુજરાતના મુખ્ય ફિલ્ડ ઓફીસર શ્રી પ્રશાંથા દાસ, યુનાઇટેડ નેશન્સનાં વુમન ઓફીસર સુ.શ્રી. કાંતા, સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક આંકડાકીય વિગતોની જાણકારી આપી હતી.