શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી, કીર્તનકુમાર
તાપી: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૦ થી તા. ૩૧ ડિસેમ્બર ,૨૦૨૦ દરમ્યાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં કુલ ૬૮૬ જેટલા ખેડૂતભાઈઓ અને મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકરોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમ્યાન તાપી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. એ. ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સ્વચ્છતા અને આરોગ્ય વિષે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત, કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી. એચ. વાટલિયા અને ડો. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી લલિત બંસલ ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનના મહત્વ વિષે ભાર મૂક્યો હતો. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ ખેતી માટે વોટર હાર્વેસ્ટિંગ, સોઈલ વેસ્ટ મેનેજ્મેન્ટ તેમજ વર્મીકમ્પોસ્ટ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. પ્રો. આરતી એન. સોનીએ સ્વચ્છતાની જાગૃતિ સાથે આહાર અને પોષણ ઉપર ભાર મૂકતાં ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનીંગ વિષે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે
વિવિધ ગામોની મહિલઓને કેન્દ્ર ખાતે તૈયાર કરેલ ગંગામા કિચનગાર્ડન મોડેલ બતાવી કિચન ગાર્ડનીંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. કેવિકે, વ્યારાના પશુવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડો. જે. બી. બુટાણીએ નકામા કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી પ્રદૂષણ ઘટાડવા માટે ભાર મૂક્યો હતો. ઉજવણી દરમ્યાન સ્વચ્છતા શપથ પણ લેવામાં આવ્યા હતા, કેવીકે કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રામીણ ખેડૂતભાઈઓ-મહિલાઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ કેવીકે ઓફિસ, કિસાનઘર, કેવીકે ફાર્મ તેમજ દત્તક ગામોમાં કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ, ખેડૂતભાઈઓ-મહિલાઓ, શ્રમયોગીઓ દ્વારા સફાઈ પણ કરવામાં આવી હતી.