શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કાકરાપાર અણુમથક દ્વારા તાપી અને સુરતના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરંસ યોજાઇ:
“ગુજરાત સહિત સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવામાં કાકરાપાર અણુવિદ્યુત મથકનો સિંહફાળો છે:” – એન.પી.સી.આઇ.એલના સાઇટ ડાયરેક્ટર એમ.વી.વૈંકટાચાલમ
વ્યારા-તાપી: “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમો અંતર્ગત કાકરાપાર અણુમથક, અણુમાલા ખાતે આજરોજ તાપી અને સુરતના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરંસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસ કોન્ફરંસના અધ્યક્ષ એન.પી.સી.આઇ.એલના સાઇટ ડાયરેક્ટર એમ.વી.વૈંકતાચાલમે આ પ્રસંગે સૌને આવકારી કાકરાપાર અણુમથકની વિવિધ ખાસ બાબતોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દેશના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ષ-૨૦૦૮ દરમિયાનને મુલાકાત સમયે વિઝિટર બુકમા આપેલ પ્રતિભાવની ઉક્તિ “ઋષિ કણાદનું સ્વપ્ન ધરતી પર ઉતારનાર એન.પી.સી.આઇ.એલના સહુ મિત્રોની અવિરત સાધનાને અભિનંદન” આ ઉક્તિને કાકરાપાર અણુવિદ્યુત મથકની સ્થાપના વર્ષ ૧૯૮૧થી લઇ આજ દિન સુધી ઉચ્ચ કક્ષાની કામગીરી દ્વારા સાર્થક કરી રહ્યું છે એમ ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, કાકરાપાર અણુવિદ્યુત મથક વિવિધ બાબતોમાં દેશભરમાં નામના મેળવી રહ્યું છે જે ગુજરાત સહિત સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવામાં ખુબ મોટું યોગદાન છે. તેમણે પત્રકારો સાથે વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી અણુમથકની સકારાત્મક કામગીરી અંગે લોકોને જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
એમ.એચ.શર્માએ કાકરાપાર અણુવિદ્યુત મથકના વિવિધ ઉપલબ્ધીઓ અંગે જાણકારી આપતા પ્રેઝનટેશનના માધ્યમથી મથકને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ મળી કુલ ૮૫ અવોર્ડસ મળ્યા છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત અણુવિદ્યુત મથકની વિજ ઉત્પાદન ક્ષમતા અંગે વાર્ષિક અહેવાલ, ટેકનિકલ વિગતો, પર્યાવરણને લગતા પાસાઓ પણ રજુ કર્યા હતા.
પબ્લીક અવેરનેશ કમીટીના ચેરમેન ગૌરવ શર્માએ ન્યુક્લીયર પાવર પ્રોગ્રામ હેઠળ દેશના વિકાસમા ભાગીદારી અંગે, થોરીયમના ઉત્પાદન અંગે અને ન્યુ ક્લીયર વેસ્ટ મેનેજમેંટ અંગે વિસ્તારપુર્વક જાણકારી આપી હતી. આ ઉપરાંત કોઇ પણ અણુવિદ્યુત મથકની સલામતી/કાર્યક્ષમતા અંગેની કોઇ પણ ક્ષણે પત્રકારોને સચોટ માહિતી આપવા પોતે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં શ્રી રાજન ધારે મથકના સુધારેલ સલામતીની સુવિધાઓ, મોક ડ્રીલ અંગે આગોતરા પગલા લેવા અંગે જાણકારી આપી હતી.
CSR સમિતિના ચેરમેન નિતિન કેવટે NPCIL-કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. યોજના હેઠળ ચાલતી વિવિધ પ્રવૃતિઓ અંગે સૌને અવગત કર્યા હતા.
આ વેળાએ આર.બી.પાટીલે પત્રકાર મિત્રોને અણુવિદ્યુત મથકના ડેમો મોડેલ દ્વારા કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શીવા કપીલ દ્વારા કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના અંતે સૌ પત્રકાર મિત્રો અને એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથકના ઉચ્ચ અધિકારીઓએ સાથે પ્રિતિ ભોજન માણ્યું હતું.
પ્રસંગે એનપીસીઆઇએલ-કાકરાપાર અણુવિદ્યુત મથકના સ્ટેશન ડાયરેક્ટરોમાં એ.બી.દેશમુખ, સી.એ. પદ્મનાભન, સી.કે.રોય, એન.કે.મીથર્વલ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, માહિતી કચેરી તાપીના કર્મચારીઓ સહિત તાપી અને સુરત જિલ્લાના વરિષ્ઠ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.