શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઇ માહલા
શિક્ષક દિનની ઉજવણી સાથે સાથે, જિલ્લો ડાંગ
ડાંગ જિલ્લાની કરંજડા સરકારી પ્રાથમિક શાળાની શૈક્ષણિક ગુણવત્તામા નોંધપાત્ર યોગદાન આપનાર શિક્ષક શ્રી જિગ્નેશભાઇ પટેલ.
વર્ષ 2023 ના રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે પસંદગી પામતા શિક્ષક.
શૈક્ષણિક રીતે પછાત ગણાતા કરંજડા ગામની શાળાએ ઉચ્ચ વ્યાવસિક લાયકાતો ધરાવતા બાળકો તેયાર:
ડાંગ, આહવા: કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. આ ઉક્તિને ડાંગ જિલ્લાના સુબિર તાલુકામા સમાવિષ્ટ કરંજડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જિગ્નેશભાઇ પટેલે ખરા અર્થમા સાર્થક કરી છે.
એક સમયે શિક્ષણની અસુવિધાઓનો સામનો કરી રહેલ કરંજડા ગામની પ્રાથમિક શાળામા ભૌતિક સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનું વાતાવરણ ઉભુ કરી આજે આ શાળાને શિક્ષણનુ ધામ બનાવ્યુ છે.
વર્ષ 2004 મા કરંજડા પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે નિમણુંક પામેલા શ્રી જિગ્નેશભાઇ પટેલ જણાવે છે કે, જ્યારે તેઓ શાળામા હાજર થયા ત્યારે 1 ઓરડામા 36 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. શાળામા વિજળી, પાણી, શાળા કમ્પાઉન્ડ વગેરેની બહુ જ સીમિત સુવિધાઓ હતી. પંરતુ આ વિપરીત પરીબળોની વચ્ચે શિક્ષણની મશાલ પ્રજવલ્લિત કરવાનો અવસર મળ્યાનુ સૌભાગ્ય ગણી, તેઓએ શિક્ષક મિત્રો સાથે મળીને શાળામા પરિવર્તન લાવવાની શરૂઆત કરી. શૈક્ષણિક સુધારાઓ કર્યા. આજે કરંજડા પ્રાથમિક શાળામા 91 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
માંડ પ્રાથમિક અથવા માધ્યમિક શિક્ષણ ધરાવનાર આ ગામમા આજે ઉચ્ચ સ્નાતક જેવી વ્યાવસિક લાયકાતો ધરાવનાર બાળકો પણ તૈયાર થયા છે.
તેઓ જણાવે છે કે, આ વિસ્તાર આર્થિક રીતે પછાત હોવાના કારણે લોકો રોજીરોટી માટે સ્થળાંતર કરતા હોવાથી, બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડતી હતી. પરંતુ રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી આવેલી જાગૃતિ, અને સરકારી યોજનાઓના અમલીકરણ થકી ગામનો ડ્રોપ આઉટ રેટ આજે 0 % એ પહોંચ્યો છે.
છેલ્લા 10 વર્ષથી કરંજડા પ્રાથમિક શાળા, ગુણોત્સવ કાર્યક્રમમા જિલ્લા કક્ષાએ સતત પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તેમજ ગત વર્ષે રાજ્ય કક્ષાએ શાળાએ 14મો ક્રંમાક પ્રાપ્ત કર્યો હતો.
શાળામા બાળકોને સરકારની મધ્યાહ્ન ભોજન યોજના, મફત ગણવેશ યોજના, સિઝનલ હોસ્ટેલની સુવિધાઓના કારણે શાળામા આવવું ગમે છે. જેના લીધે બાળકોની સંખ્યામા પણ નોંધપાત્ર વધારો થયો છે.
કરંજડા પ્રાશમિક શાળાના વિદ્યાર્થીઓ પુસ્તકિય જ્ઞાન સાથે બાહ્ય જ્ઞાન મેળવે તે માટે શાળાના શિક્ષકો દ્વારા પ્રવાસ કાર્યક્રમો યોજવામા આવે છે. જેમા ગામની મુલાકાત, ગામના કારીગરોની મુલાકાત, દરીયાઇ વિસ્તારના પ્રવાસ વિગેરેનુ આયોજન કરવામા આવે છે. તેમ શાળાના આચાર્ય શ્રી જિગ્નેશભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ.
કરંજડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જિગ્નેશભાઇ પટેલની શૈક્ષણિક શ્રેત્રમા સરાહનીય પ્રવૃતિઓના કારણે વર્ષ 2023 મા રાજ્ય પારિતોષિક એવોર્ડ માટે તેમની પસંદગી કરવામા આવી છે.