શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આશ્રમ શાળા ચિમેર ખાતે શિક્ષિકાનો વિદાય કાર્યક્રમ યોજાયો..
સોનગઢ તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલ ચિમેર ગામે ગાંધી વિચાર આધારિત આશ્રમ શાળા 1986-87વર્ષોથી શરૂ છે. જે આશ્રમમાં છેલ્લા 21 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા સવિતાબેન સુનિલભાઈ પટેલ સરકારના નીતિ નિયમ મુજબ આજે વય નિવૃત થયા છે. જેના ભાગરૂપે વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમ ચિમેર અને શિશોર આશ્રમ શાળાના આચાર્ય રૂપલબેન, પંકજભાઈ તેમજ તમામ સ્ટાફ, ચિમેર વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન સમયે ભણતા વિદ્યાર્થીઓ, ચિમેર ગામના આગેવાનો ભાઈ બહેનો તેમજ સવિતાબેનના સગા સંબંધીઓ સોનગઢ, સેલવાસ, ડોલવાણ સહિત ચિમેર ગામની આજુબાજુ ગામોથી મહેમાનો તેમજ હિરેનભાઈ ચૌધરી, શકુબેન સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક સ્વ. બટુભાઈ ચૌધરી અને પૂર્વ આચાર્ય સ્વ. ધનસુખભાઈ ની ખોટ આજે શાળામાં વર્તાય રહી છે જેની પણ ચર્ચા કરી દુઃખની લાગણી તમામે વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવો અને અહીંના શિક્ષણના મહત્વ વિશે ચર્ચા થઈ. શાળા કર્મચારી વેલજીભાઈ દ્વારા પોતાના અનુભવોની ચર્ચાઓ કરી. અને સવિતાબેન દ્વારા પણ પોતાની નોકરી દરમિયાન બધાએ સાથ સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો. ચિમેર આશ્રમમાં સવિતાબેનના હાથ નીચે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ આજે અહીંનું શિક્ષણ મેળવી કમાન્ડો, પોલીસ, શિક્ષક, નર્સ, ડોક્ટર, એન્જિનિયર, વગેરે જુદી જુદી પોસ્ટ પર નોકરી કરી રહ્યા છે. જે બુનિયાદી શિક્ષણનું મહત્વ બતાવી રહ્યું છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ઘણી મહેનત કરી અભ્યાસ કર્યો છે જે આજે એમને યાદ આવે છે.
અહીંના શિક્ષકો તથા તમામ સ્ટાફ ખુબજ મહેનત કરી ગરીબ વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ આવે એની સખત મહેનત કરી રહ્યા છે.સાથે અહીં ગરીબ વિદ્યાર્થીઓને મૂલ્યવાન શિક્ષણ આપવામાં આવે છે. અંતે ગામના માજી સરપંચ અર્જુનભાઈએ ચિમેર ગામ વતી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગી અને તેઓના દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.