
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને અપાયું છે પ્રાધાન્ય:- કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન
ગુજરાતના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.1800 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે, જે સરાહનીય કદમઃ- કેન્દ્રીય મંત્રીશ્રી પ્રધાન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ’
કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું.
ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગરહવેલીના 400થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ)એ કોન્ફરન્સમાં ભાગ લીધો,
એકતાનગર: કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનો છે. કેન્દ્રીય મંત્રીશ્રી પ્રધાને નવા ભારતના ભવિષ્ય નિર્માણ માટે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત-2047’ના વિઝનને સાર્થક કરવા માટે ગંગાજીથી નર્મદા સુધીનો આ પ્રવાસ સંપૂર્ણ સફળ રહેશે એમ સહર્ષ જણાવ્યું હતું.
ભારતીય ભાષાઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વનું અંગ રહી છે. ભારતની તમામ ભાષા રાષ્ટ્ર ભાષા છે. અને તેથી જ NEP-2020માં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેથી સોશિયલ બિહેવિયરને એકેડેમિક પ્રેકટીસ તરફ લઈ જઈ શકાય. કારણ કે ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વ ભરમાં ખૂબ જાણીતી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં શ્રી પ્રધાને જણાવ્યું કે, NEPમાં કૌશલ્ય વર્ધન અને રોજગારપરસ્ત શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. ભારતને એક કરવું એ પણ શિક્ષણનો જ એક ભાગ છે, અને ભારતના રજવાડાઓને એક કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાના સાંનિધ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ માટે વિવિધ ચાર ટેકનિકલ સત્રોમાં નિષ્ણાંતો વચ્ચે થનારી ચર્ચા તેના અમલીકરણ માટે અત્યંત મહત્ત્વની સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે તેના બજેટમાં વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે રૂ.1800 કરોડની માતબર રકમ ફાળવી છે, જે સરાહનીય કદમ છે એમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આ કોન્ફરન્સને જ્ઞાન અને વિચારોનું સમુદ્ર મંથન ગણાવતા કહ્યું કે, પ્રાચીનકાળમાં તક્ષશિલા, વિક્રમશીલા અને નાલંદા જેવી ભારતની મહા વિશ્વવિદ્યાલયમાં જ્ઞાન મેળવીને દેશવિદેશના લોકોએ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન ભંડારને વિશ્વ સુધી પહોંચાડ્યું છે. ફરી એક વાર યુવા સામર્થ્યને આગળ વધારવા માટે પ્રધાનમંત્રીશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર આપતા યુવાનો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ કરી છે.
આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. એમ. જગદીશકુમારે જણાવ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલીને વધુ અદ્યતન અને બહેતર બનાવવા માટે ઘડાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સુયોગ્ય અમલીકરણ માટે 150 કરતા વધુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક જ સ્ટેજ પર ભેગા થવું એ ખૂબ મોટો સંયોગ છે.
નોંધનીય છે કે,મા નર્મદા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિવ્ય સાંનિધ્યમાં પશ્ચિમ ઝોનના વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં સામૂહિક વિચાર વિમર્શ કરી નવી શિક્ષણ નીતિને સંપૂર્ણપણે લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમના અંતે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશ કુમારે આભાર વિધિ આટોપી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકારશ્રી હસમુખ અઢિયા, AICTના અધ્યક્ષશ્રી પ્રો. ટી.જી.સીતારમન, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનરશ્રી બંછાનિધિ પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામકશ્રી પી.બી.પંડ્યા, કે.સી.જી.ના એડવાઈઝરશ્રી પ્રો.એ.યુ.પટેલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રીઓ, શિક્ષણ નિષ્ણાંતો અને અધ્યાપકો, આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.