
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
નર્મદા જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની સાથે ગુણવત્તાયુક્ત સ્ટ્રક્ચર ઉભા કરીને પાક તૈયાર કરવા અને તેની જાળવણી સાથે ઉંચા ભાવો મેળવવાની હિમાયત કરતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી:
જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડુત લાભાર્થીઓને માલવાહક સાધન-૮ અને પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનાના-૧૮ સહિત કુલ- ૨૬ જેટલા મંજુરી પત્રો એનાયત:
રાજપીપલા: ગુજરાત સરકાર દ્વારા “આત્મનિર્ભર પેકેજ ” અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ખેડૂતો માટે ખાસ “સાત પગલાં ખેડૂત કલ્યાણના” હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજના લોકાર્પણનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી શ્રીમતી શારદાબેન તડવી, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, સંયુક્ત ખેતી નિયામકશ્રી મહેશભાઇ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નિલેશભાઇ ભટ્ટ સહિત નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડાના ખેડૂત લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા ટાઉનહોલ ખાતે દિપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સાત પગલાં ખેડુતલક્ષી યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ,પરિવહન યોજના (મીડીયમ સાઇઝ ગુડસ કેરેઝ વ્હીકલ માટેની યોજના, ટપક સિંચાઇ મારફત પાણીના કરકસરયુક્ત ઉપયોગ માટે કોમ્યુનિટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટની યોજના, દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્રારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય તેમજ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે, જેનો ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવાની તેમણે હિમાયત કરી હતી.
વધુમાં શ્રી કોઠારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જિલ્લામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ કુલ ૧૭૧૬ ખેડુતો માટે કુલ રૂા. ૫૧૪.૦૦ લાખની જોગવાઇ નર્મદા જિલ્લા માટે કરવામાં આવી છે તેમજ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલ વાહનની ખરીદી માટે ૮૯ ખેડુતો માટે ૫૩.૪૦ લાખની જોગવાઇ પણ કરેલ છે તેની સાથોસાથ ટપક સિંચાઇ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે રૂા. ૯.૮૦ લાખની જોગવાઇ, પ્રધાનમંત્રી કિશાન સમ્માન નિધી યોજના અંતર્ગત રૂ. ૨ હજારના ૧ થી ૫ હપ્તા માટે અંદાજીત ૯૪ કરોડની રકમ ખેડૂતોના બેંન્ક ખાતામાં જમા કરવામાં આવી છે તેમજ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની માટે ગત વર્ષ ૨૦૧૯-૨૦ માં સરકારશ્રી દ્રારા જિલ્લામાં કુલ ૩૩,૧૧૩ ખેડૂતોને રૂા. ૩૪.૧૪ કરોડની સહાય પણ ચુકવવામાં આવી છે અને જિલ્લામાં આ વર્ષમાં પૂરને કારણે થયેલા નુકશાનનો સર્વે ચાલુ છે અને સર્વે પૂર્ણ થયે તેની પણ સહાય ચૂકવવામાં આવશે તેમ તેમણે તેમણે ઉમેર્યું હતું.
શ્રી કોઠારીએ વધુમાં કહ્યું હતું કે, નર્મદા જલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવવાની સાથે સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવાની સાથોસાથ ગુણવતાયુક્ત સ્ટ્રક્ચર ઉભા કરીને પાક તૈયાર કરવા અને તેની યોગ્ય જાળવણી થકી ઉંચા ભાવો મેળવે અને નર્મદા જિલ્લો કૃષિ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન મેળવે તેવી હિમાયત કરી હતી.
નર્મદા સુગર ફેક્ટરીના ચેરમનશ્રી ઘનશ્યામભાઇ પટેલ અને સંયુક્ત ખેતી નિયામકશ્રી મહેશભાઇ પટેલે કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લાના નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ખેડુત લાભાર્થીઓને માલવાહક સાધન-૮ અને પાકસંગ્રહ સ્ટ્રકચર યોજનાના-૧૮ સહિત કુલ- ૨૬ જેટલા મંજુરી પત્રો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયાં હતા. આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમ નિહાળવાની સાથોસાથ કૃષિ ખેડુત કલ્યાણલક્ષી યોજનાની ફિલ્મ પણ નિહાળી હતી.
પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નિલેશભાઇ ભટ્ટે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સતીષભાઇ ઢીમ્મર આભારદર્શન કર્યું હતું.