
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનો સ્થાપના દિવસ અને ૧૬ મો વાર્ષિકોત્સવ યોજાયો:
પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણીએ ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પુરૂં પાડ્યું:
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે આચાર્યાશ્રી ડો. અનિલાબેન કે. પટેલની આગેવાનીમાં કોલેજનો સ્થાપના દિવસ અને ૧૬ મો વાર્ષિકોત્સવ તથા TYBA ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી, અતિથિ વિશેષ તરીકે સરકારી વિનયન કોલેજ તિલકવાડાના ગુજરાતી વિષયના અધ્યાપકશ્રી ડૉ. પિનાકીન જોષી, આર્ટસ અને કોમર્સ કોલેજ ઓલપાડના ઇતિહાસના અધ્યાપકશ્રી ડૉ. પ્રવિણભાઈ ચૌધરીએ હાજર રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણીએ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન તથા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. સાથે ડો. પિનાકીન જોશી અને ડો. પ્રવીણ ચૌધરીએ દેડીયાપાડા કોલેજ ખાતેના ભૂતકાળના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. વાર્ષિકોત્સવને અનુરૂપ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકગીત, સંગીત અને નૃત્ય તથા નાટકો પ્રસ્તુત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ધર્મેશભાઈ વણકરે કર્યું હતું. આ કાર્યક્ર્મમાં વિદ્યાર્થીઓ સહિત કોલેજના તમામ સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા