
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ;
મુખ્યમંત્રીએ રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.પાંચ કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ.૩ કરોડના લાભ વિતરણ કર્યું;
આદિજાતિ બેલ્ટના ૧૪ જિલ્લાઓના વનબંધુઓને રૂ.ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો;
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેડીયાપાડા, ભરૂચના નેત્રંગ, ડાંગના વઘઈ અને છોટાઉદેપુરના કેવડીમાં કુલ રૂ. બે કરોડના ખર્ચે પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે તૈયાર થયેલા ચાર કૌશલ્યવર્ધન કેન્દ્રો ડેડીયાપાડા ખાતેથી ઈ-લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ પ્રકલ્પોને ખૂલ્લા મૂકતા જણાવ્યું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના અંગ્રેજોના સમયના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કૌશલ્યવર્ધન કેન્દ્રો થકી ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડવાની નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના ૧૪ જિલ્લાઓના વનબંધુઓને રૂ.ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.પાંચ કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ.૩ કરોડના લાભ તેમજ ૪ વનલક્ષ્મી, ઈકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ દેડીયાપાડાના મોસદા રોડ પર વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાના સખીમંડળોની માતા-બહેનો દ્વારા સંચાલિત પારંપારિક ભોજન પીરસતા ‘સાતપૂડા વન ભોજનાલય’ને પણ ખૂલ્લાં મૂક્યા હતા. અહીં મુખ્યમંત્રીશ્રી અને મંત્રીગણે સખીમંડળોની માતા-બહેનોએ બનાવેલા પારંપારિક આદિવાસી ભોજનનો પણ આસ્વાદ માણ્યો હતો. વાંસ વર્કશોપમાં મુખ્યમંત્રીશ્રીએ વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની ગતિવિધિઓને ઝીણવટથી નિહાળી કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. તેમજ નમો વડ વન-દેડીયાપાડા’નું લોકાર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ વડ વૃક્ષારોપણ અને જળસિંચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્લેટિનમ વન-ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન-રામપરાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.
પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વનવિકાસની ઉમદા કામગીરી કરતી મંડળીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા, તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકા ‘બામ્બુ રિસોર્સ ઓફ ગુજરાત’ નું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું.
રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજવસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોચાડવાનો નૂતન પ્રયત્ન વનવિભાગે હાથ ધર્યો છે, ત્યારે આ પહેલને બિરદાવતા તેમણે વનવિભાગનો આ પ્રયાસ સાચા અર્થમાં વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે, તેમજ વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના માટે વિકાસની અનેક તકો પૂરી પાડીને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન અને અન્ય રાજ્યો પણ પ્રેરણા લઈ શકે તેવું વિકાસ મોડેલ બનાવ્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર સંકલ્પબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.
વાંસ જેવી વન સંપદાના ગુણવત્તાયુક્ત ઉપયોગ થકી આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ વનબાંધવોના વિકાસની વચનબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ભૂતકાળમાં આદિવાસી સમાજે વેઠેલી મુશ્કેલીઓને વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી કરોડો રૂપિયાના માતબર લાભો આપીને દૂર કરી છે. આજે આદિજાતિ વિસ્તારોમાં સ્થાપિત અનેક વિજ્ઞાન કોલેજોના કારણે આદિજાતિ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી પાયલોટ, ડૉક્ટર, એન્જીનીયર બનવાના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીને આદિવાસીઓના આરાધ્ય કુળદેવી દેવમોગરા માતાની તસવીર અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઉદ્યોગ,વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી એમ.એમ.શર્મા, વન વિકાસ નિગમના એમ.ડી.શ્રી એસ.કે.ચતુર્વેદી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી યુ.ડી.સિંઘ, વનસંરક્ષક(બરોડા વનવર્તુળ)શ્રી ડો.શશિકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, પૂર્વ મંત્રી સર્વશ્રી શબ્દશરણભાઈ તડવી અને મોતીસિંહ વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ સહિત વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.