
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં “સ્વચ્છ ભારત” કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું:
પ્રાથમિક શાળાઓ ખાતે ‘સ્વચ્છતા’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન:
ગ્રામજનો દ્વારા જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરાયું:
સખીમંડળની બહેનો સાથે સ્વછતા સંવાદ યોજાયો:
વ્યારા: તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત કાર્યક્રમ હેઠળ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા ગ્રામ્યકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
જેમાં ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળા સાકરદા, વ્યારા મગરકુઇ, સોનગઢની સિસોર, ઉકાઇ, નિઝરની કોટલી, ખોરદા તેમજ કુકરમુંડાની મટાવલ પ્રાથમિક શાળા ખાતે ‘સ્વચ્છતા’ વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ અને નિઝર સહિત તમામ તાલુકાઓમાં ગામના લોકોએ સાથે મળી જાહેર સ્થળો ઉપર વૃક્ષારોપણ કરી તેના ઉછેર અને જતન માટે પણ પ્રતિબધ્ધ થયા હતા. વ્યારા અને ડોલવણ તાલુકામાં સખીમંડળની બહેનો સાથે સ્વછતા સંવાદ યોજી ગ્રામજનોને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા, પોલીથીનને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
તાપી જિલ્લામાં સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃતિઓમાં નાગરિકો સહિત બાળકો પણ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.