
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા: તા.૨૫ મી ડિસેમ્બર,૨૦૨૦ ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇજીના જન્મદિને નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્ય મથક સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની થનારી ઉજવણીના સુચારૂં આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા ખાતે નોડલ અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇઝેશન સાથે ટેમ્પરેચર ગનથી તાપમાન ચેક કરીને કાર્યક્રમના સ્થળે ખેડૂતોને પ્રવેશ તથા લાભાર્થીઓને આપવાની થતી કિટ્સ વગેરે તૈયાર રાખવા સંબંધિત તાલુકાના નોડલ અધિકારીઓને શ્રી વ્યાસે સૂચના આપી હતી.
તદ્અનુસાર, તા.૨૫ મી ડિસેમ્બર, ૨૦૨૦ ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપલા મુખ્ય મથકે સરદાર ટાઉનહોલ ખાતે સંસદસભ્યશ્રી જસવંતસિંહ ભાભોર, ગરૂડેશ્વર તાલુકામાં APMC ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, તિલકવાડાની પ્રાથમિક શાળા ખાતે પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, દેડીયાપાડા તાલુકામાં કૃષિ પોલીટેકનીક કોલેજ ખાતે ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના પૂર્વ અધ્યક્ષશ્રી રમણભાઇ જાની અને પૂર્વ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા તેમજ સાગબારા તાલુકામાં પાનખલાની સરકારી કોલેજ ખાતે પૂર્વ વન રાજ્ય મંત્રીશ્રી મોતીસિંહ વસાવા અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ભારતીબેન તડવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા યોજનાકીય જાણકારી આપવાની સાથે કૃષિ, કોરોના અને ઇ-સેવા સેતૂ વિષયક ફિલ્મનું પ્રસારણ કરાશે. તદ્ઉપરાંત, ટેક્નોલોજી-વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા ગાંધીનગરથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને દિલ્હીથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમના સંબોધનમાં માર્ગદર્શન આપશે.
આ પ્રંસંગે મહાનુભાવોના હસ્તે “સાત પગલા ખેડૂત કલ્યાણ” અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કિટ્સ અને સહાયનું વિતરણ તથા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એનાયત કરાશે. તદ્ઉપરાંત, “મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના” અને દસ ગામદીઠ પશુ દવાખાનાની યોજના હેઠળ વાહનોનું વિતરણ અને તેને ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવાશે.