
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજપીપલા ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચે સાકારિત થનાર સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરાયુ;
નાંદોદ તાલુકાના ભચરવાડા ગામે ભરૂચ સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના વરદહસ્તે તથા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારશ્રીના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પોલીટેકનીક કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ ભચરવાડા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે તૈયાર થનારી કોલેજ અંગે જણાવ્યું કે, આ કોલેજ જિલ્લાના બાળકોનું ભવિષ્ય નક્કી કરશે. ગામમાં કોલેજના નિર્માણથી ગ્રામજનો પણ જાગૃત થઈને અભ્યાસ પ્રત્યે સકારાત્મક વિચારોનું સિંચન કરીને પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા પુરી પાડશે. તેમજ આસપાસના ગામોના વાતાવરણમાં પણ સકારાત્મક બદલાવ આવશે. જિલ્લાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને જિલ્લા, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપીને પોતાની સાથે સમાજનુ નામ રોશન કરે તેવી અપેક્ષા સાંસદશ્રી વસાવાએ વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય, સુરક્ષા, પશુપાલન, ખેતી, પ્રવાસન સહિત શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભાર આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ રાજપીપલા ખાતે નવનિર્મિત થનારી સરકારી પોલીટેકનીક કોલેજ નર્મદા જિલ્લાના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે.
નર્મદા જિલ્લાની સરકારી પોલીટેક્નીક રાજપીપલા ટ્રાયબલ ડેવલોપમેન્ટ ગ્રાન્ટ હેઠળ વર્ષ ૨૦૧૩ થી કામચલાઉ ધોરણે શ્રી.કે.જે.પોલીટેકનીક ભરૂચ ખાતે કાર્યરત છે. સંસ્થા ખાતે ધો.૧૦ પાસ વિદ્યાર્થીઓ માટેના ડિપ્લોમાં એન્જિનિયરિંગના વિવિધ કોર્ષમાં કુલ ૫૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. હવે ભચરવાડા ખાતે પોલીટેકનીક કોલેજના વિવિધ ભવનોના અંદાજિત રૂ. ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આ ભવનમાં કાર્યાલય વિભાગ, સિવિલ-ઇલેક્ટ્રિક-મીકેનીકલ એન્જિનિયરિંગ સહિત ઓડિટોરિયમ, વર્કશોપ, કેન્ટીન જેવી સુવિધાઓથી સજ્જ હશે. આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં દ્વિતીય વર્ષમાં પ્રવેશ મળશે. અભ્યાસ પૂર્ણ થયે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે કાર્યપાલક ઇજનેરશ્રી એસ.એચ.મોદી, સરકારી પોલીટેકનીક કોલેજના આચાર્ય સુશ્રી એફ.વાય.મુનશી, જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત ભચરવાડા ગામના સરપંચ શ્રીમતી રેણુકાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા