
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
કંકુ તીલક સાથે ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાની શરૂઆત: “ડર નહીં, આત્મવિશ્વાસ રાખો” – સાંસદ ધવલભાઈ પટેલ
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પરીક્ષાર્થીઓને કંકુ તીલક કરી અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જેથી તેઓ કોઈપણ જાતના ડર વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી જિગ્નેશકુમાર ત્રિવેદી સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને હિંમત આપતાં જણાવ્યું હતું કે, “પરીક્ષાથી ડરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે આગળ વધો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરો.”
ધારાસભ્ય વિજયભાઈ પટેલે શિક્ષણને વિકાસનો મજબૂત આધાર ગણાવી વિદ્યાર્થીઓને શાંત ચિત્તે, સમયના યોગ્ય આયોજન સાથે પેપર લખવા માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન હાજર મહાનુભાવો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.



