
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં પોલીસ વિભાગના કર્મચારીઓએ વેક્સિનનો બીજો ડોઝ લીધો:
પોલીસ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓએ વેક્સિનનો બીજો ડોઝ લઈ પોતાની સાથે પરિવારને પણ સુરક્ષિત કર્યા.
તાપી, વ્યારા : દેશમાં કોરોના મહામારીએ ઝડપી રીતે પગ પસાર્યા હતા. જો કે આજે આપણે સૌ કોરોનાના પ્રથમ અને દ્વિતિય લહેરમાંથી બહાર નિકળી ચુક્યા છે. હાલ તાપી જિલ્લા સહિત રાજ્ય અને રાષ્ટ્રમાં કોરોનાની ગતિ નિયંત્રિત જોવા મળી રહી છે. તાપી જિલ્લાની વાત કરીએ તો વેક્સિનેશન મહાઝૂંબેશ દ્વારા મોટા પાયે નાગરિકોને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. કેન્દ્ર/રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર તાપી જિલ્લામાં પણ મહારસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ પ્રાધાન્ય આરોગ્ય અધિકારીઓ, હેલ્થ વર્કર્સને આપવામાં આવ્યુ હતુ. જે બાદ કોરોનાકાળમાં સમાજમાં સૂલેહ-શાંતિનું વાતાવરણ જાળવી રાખવા સતત ખડેપગે ફરજ બજાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓ, જી.આર.ડી., હોમગાર્ડ તેમજ ટી.આર.બીના જવાનોને વેક્સિનેશન ઝૂંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
વેક્સિનેશન મહાઝૂંબેશ દરમિયાન ૭૦૪ પોલીસ અધિકારી/કર્મચારીઓ, ૮૯૧ જી.આર.ડી. જવાનોએ, ૩૦૧ હોમગાર્ડ જવાનોએ, ૭૮ ટી.આર.બી. જવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કુલ ૨૦૭૫ અધિ./કર્મચારીઓનું રજીસ્ટ્રેશન થયેલું હતું. જેમાંથી કુલ ૧૯૭૪ જવાનોએ એટલે કે ૯૫.૩૬ ટકા પોલીસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ/જવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ પ્રજાજનોને વેક્સિન અંગે જાગૃત કર્યા હતા. વેક્સિનના બીજા ડોઝની વાત કરીએ તો ૬૮૧ પોલીસ અધિકારી/કર્મચારીઓ, ૮૬૧ જી.આર.ડી., ૨૮૯ હોમગાર્ડ, ૭૪ ટી.આર.બી. જવાનોએ એમ કુલ ૧૯૦૫ જવાનોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જે પ્રથમ ડોઝ લેનારની સરખામણીમાં ૯૬.૩૦ ટકા જેટલું હતું. જે દર્શાવે છે કે કોરોના સામે વેક્સિન એક માત્ર કારગર હથિયાર છે.
પ્રથમ તબક્કામાં કોરોનાથી બચવા અંગે કોઈ ઉપાય ન હતો. પરંતુ બીજા તબક્કા દરમિયાન કોરોના પ્રતિરોધક રસી ઉપલબ્ધ થઈ અને કોરોનાથી બચવા દેશભરમાં વેક્સિનેશન મહાઝૂંબેશ મોટા પાયે હાથ ધરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસ વિભાગ સહિત તમામ નાગરિકોનું તબક્કાવાર વેક્સિનેશન કરાવવામાં આવ્યું હતું. પરિણામે આજે તાપી જિલ્લામાં કોરોનાનો પ્રભાવ નહિવત જોવા મળી રહ્યો છે. તાપી જીલ્લામાં નાગરિકો પણ માસ્ક, સેનિટાઈઝરનો અસરકારક ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા થયા છે.