શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયના જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા માટે હસ્તકલા સેતુ યોજના શ્રેષ્ઠ:
રાજ્ય-રાષ્ટ્ર સહિત વૈશ્વિક બજાર પણ આદિજાતિ સમુદાયની પરંપરાગત હસ્તકલાથી પરિચિત થાય તે મહત્વપૂર્ણ.
વાંસમાંથી બનાવેલી ચીજવસ્તુઓના તાલીમ, રોજગારી અને વેચાણ વ્યવસ્થા માટે મંચ ઉપલબ્ધ કરાવતું હસ્તકલા સેતુ યોજના.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2003 માં રોપવામાં આવેલ વાઈબ્રન્ટ ગુજરાતનું બીજ આજે વટવૃક્ષ બની ચુક્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવા માટે રોકાણકારોને ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં રોકાણ માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે, જેનો એકમાત્ર આશય સ્થાનિકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવાની છે.
ગુજરાત સહિત નર્મદા જિલ્લાના નાગરિકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે રોજગારીની તકોનું નિર્માણ એ મુખ્ય પર્યાય છે. આદિવાસી પટ્ટો ધરાવતા નર્મદા જિલ્લામાં પણ નાના-મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ ચાલતી હસ્તકલા સેતુ યોજના અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્થાનિક યુવાનો-યુવતીઓને વાંસ આધારિત અનેકવિધ ચીજવસ્તુઓના નિર્માણ માટે તાલીમ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉદ્યમશીલ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં EDII નું યોગદાન મહત્વપૂર્ણ છે.
પ્રાચીન ભારતીય ઇતિહાસના પાના પલટાવીએ તો ખ્યાલ આવે છે કે ખેતી સાથે ગૃહ ઉદ્યોગોનો પણ ઇતિહાસ સમૃદ્ધ રહ્યો છે. નર્મદા વાઈબ્રન્ટ સમીટ અંતર્ગત ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે પણ એક્ઝિબિશનમાં વાંસ આધારિત તૈયાર કરવામાં આવેલ ચીજ વસ્તુઓથી પ્રભાવિત થયા હતા. મંત્રીશ્રી પરમારે હસ્ત કલાકારીને લોકો જાણે માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા માર્કેટ પ્લેસ વિશે પણ પરિચિત થયા હતા.
આ પ્રસંગે હસ્તકલા સેતુ યોજનાના ડિસ્ટ્રીક્ટ લીડશ્રી જીગ્નેશભાઈ પટેલ જણાવે છે કે, નર્મદા જિલ્લાના યુવકો-યુવતીઓને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે માટે ઇચ્છુક લાભાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ રોજગારીની તકોનું નિર્માણ તો થાય જ છે પરંતુ કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા હસ્તકળાના કારીગરોને તેમની ચીજવસ્તુઓના વેચાણ માટે વેચાણ વ્યવસ્થા પુરુ પાડવામાં આવે છે.
રાજ્ય-રાષ્ટ્ર સહિત વૈશ્વિક બજાર આદિજાતિ સમુદાયની પરંપરાગત હસ્તકલાથી પરિચિત થાય તે મહત્વપૂર્ણ છે. વાંસમાંથી બનાવેલી ચીજવસ્તુઓના તાલીમ, રોજગારી અને વેચાણ વ્યવસ્થા ગોઠવી તેમની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં હસ્તકલા સેતુ યોજના મહત્વની ભાગીદારી નોંધાવી રહ્યું છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા