શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સુબિર તાલુકાના બરડીપાડા ગામે યોજાશે આયુષ મેળો :
તા. 3ના રોજ વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાશે ;
બરડીપાડા ખાતે નવ નિર્મિત આયુર્વેદિક મકાનનુ લોકાર્પણ કરાશે :
ડાંગ: ભારત સરકારશ્રી દ્વારા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩’ ની ઉજવણી “આયુર્વેદ ફોર વન હેલ્થ” ની થીમ, અને ‘હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ’ ટેગ લાઈન સાથે કરવાનું નક્કી કરવામા આવ્યુ છે.
પ્રજાજનોમા આયુષની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, હોમિયોપેથી બાબતે જાગૃકતા વધે, અને વધુમા વધુ લોકો આ ચિકિત્સા પદ્ધતિનો લાભ લે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ નિયામકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા આયુષ તંત્ર દ્વારા આયોજિત તા.૩જી નવેમ્બરે ‘આયુષ મેળો’ આયોજિત કરાયો છે.
આ સાથે નવનિર્મિત જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનુ બરડીપાડા, તાલુકો સુબીરનો લોકાર્પણ સમારોહ પણ, તારીખ ૩/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૯ થી વાગ્યાથી, સરકારી આયુર્વેદ દવાખાનુ બરડીપાડા, નિશાળ ફળિયુ, બરડીપાડા, તાલુકો સુબીર, જિલ્લો ડાંગ ખાતે, સંસદ સભ્યશ્રી, વલસાડ-ડાંગ ડો. કે. સી. પટેલના અધ્યક્ષતામા કાર્યક્રમનુ આયોજન થનાર છે.
આ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે માન.નાયબ મુખ્ય દંડકશ્રી અને ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ.ગાઇન, પ્રેરક ઉપસ્થિતી ડાંગ કલેકટર શ્રી મહેશ આઈ. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. એમ. ડામોર તેમજ અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત આરોગ્ય અધ્યક્ષા શ્રીમતી મયનાબેન બી.બાગુલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા સદસ્ય શ્રી મંગળભાઈ ગાવીત, તાલુકા પંચાયત સુબીરના પ્રમુખ શ્રીમતી રવિનાબેન એસ. ગાવિત, ભાજપા મહામંત્રી શ્રી રાજુભાઈ ગામીત તેમજ ગ્રુપ ગ્રામ પંચાયત બરડીપાડાના આગેવાનોની ઉપસ્થિતિમા આયુષ મેળો યોજાશે, તેમ જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય શ્રી મિલન એન. દશોંદી દ્વારા જણવાયુ છે.
બરડીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, આયુર્વેદ પદ્ધતિની વિશેષ ચિકિત્સાઓ તેમજ આયુર્વેદ અને યોગને લગતુ પ્રદર્શનનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
બ્યુરો ચીફ: રામુભાઈ માહલા, ડાંગ