શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
“શાંતિ, સલામતિ અને સેવાની સાથે સાથે હવે સ્વાસ્થ્યનો રંગ પણ ‘ખાખી’…”
સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે નર્મદા જિલ્લાના પોલીસ જવાનો માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે ૯૦૦થી વધુ કર્મીઓની CPRની તાલીમ યોજાઈ:
સમગ્ર રાજ્યમાં એક સાથે ૫૧ જેટલાં સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આજે તા.૧૧ જૂને રવિવારના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે આવેલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં પોલીસ જવાનોને આ તાલીમથી સુસજજ કરવામાં આવ્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ હ્રદય રોગના હુમલાથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો હોવાથી માનવીની મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના પોલીસ જવાનો પણ મદદરૂપ બને તેવા શુભ આશયથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ તાલીમ આપવાનું નક્કી કરાયું હતું. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મિનીટનો સમય લાગી જતો હોય છે. જે ૦૫ થી ૧૦ મિનીટ દરમિયાન માનવીના મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થતું હોય છે. આવુ ન થાય તે માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની સાબિત થશે તેમ તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું હતું.
નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાઇ રહી છે. જેમાં સમગ્ર રાજ્યના ૫૫,૦૦૦ થી વધારે ગુજરાત પોલીસ કર્મીઓને આ CPR ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં નર્મદા જિલ્લાના ૯૦૦ થી વધુ પોલીસકર્મી, જીઆરડી જવાનોને ત્રણ સેશનમાં તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્યવ્યાપી તાલીમમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો, અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે આપવામાં આવી રહી છે. આ તાલીમ વેળાં પોલીસકર્મીઓને અંગદાન માટેની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન અને શપથ પણ લીધા હતા. રાજપીપલાની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી આ તાલીમ દરમિયાન કેવડિયા સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ના સેનાપતિ શ્રી એન્ડ્રુ મેકવાન, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી મયુરસિંહ રાજપુત, પી.આર.પટેલ તેમજ પીઆઈ,પીએસઆઈ, પોલીસ જવાનો, મેડિકલ કોલેજના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા