શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે:- આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
નવસારી ખાતેથી નિરામય અભિયાનનો શુભારંભ કરાવતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી
નવસારી:- આજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે તેમ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે નવસારી ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ અવસરે જણાવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં કહેવત છે કે, ‘પ્રથમ સુખ તે જાતે નર્યા’ એટલે કે આપણાં વ્યક્તિગત જીવનમાં આરોગ્યને સૌ પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે, જો શરીર તંદુરસ્ત હશે, તો મન તંદુરસ્ત રહેશે અને આપણી તંદુરસ્તી જળવાઇ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક સ્વાસ્થ્યલક્ષી મહાઅભિયાનની શરૂઆત કરી છે. સ્ક્રિનિંગ થી લઇને સારવાર સુધીની સગવડ આપતાં આ અભિયાન દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ અનેક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં આ અભિયાન ઐતિહાસિક સાબિત થશે.
આ કાર્યક્રમ દ્વારા ૩૦ વર્ષથી વધુ ઉંમરના રાજ્યના ત્રણ કરોડ લોકોને લાભ મળવાનો છે. તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, આપણી જીવનશૈલી બદલાઈ રહી છે. જેના લીધે જે રોગ અગાઉ જોવાં મળતા ન હતાં તે પણ હવે જોવાં મળી રહ્યા છે. આવા રોગોની અગાઉથી ખબર પડે તો તે ઘર કરી જાય તે પહેલાં જ તેને અટકાવી શકાય છે. આવા રોગોની તપાસથી અપેક્ષિત જીવનને પણ વધારી શકાય છે. આ અભિયાન હેઠળ નિષ્ણાંત તબીબો દ્વારા લોકોને સારવાર આપવામાં આવનાર છે.
આ અવસરે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નિરામય કાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અને હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર સહિતનાં આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.