
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ ધ્વારા વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં;
પ્રોટોકોલની અવગણના કરીને જિલ્લા કલેક્ટરશ્રી શાહ સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓની કચેરી/શાખામાં સામે ચાલીને પહોંચ્યા : સરપ્રાઇઝ સાથે કલેક્ટરશ્રીએ કર્યુ ગૌરવભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન : અણધાર્યા તોહફાથી કર્મયોગીઓ પણ ગદગદિત્
રાજપીપલા,મંગળવાર :- નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે વિવિધ શાખાઓમાં નાયબ મામલતદારશ્રી તરીકે, રિસર્ચ ફેલો તરીકે તેમજ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામકશ્રી તરીકે ફરજ બજાવતા ચૂનંદા કર્મયોગીઓનું જે તે શાખામાં તેમજ જિલ્લા માહિતી કચેરી ખાતે પહોંચીને આ કર્મયોગીઓની નોંધપાત્ર કામગીરી-આઉટસ્ટેન્ડીંગ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. શ્રી શાહે નાયબ માહિતી નિયામકશ્રી વાય.આર.ગાદીવાલા, નાયબ મામલતદાર સર્વ શ્રી ગોવિંદ કરમુર, શ્રી હિતેશ પ્રજાપતિ અને શ્રીમતી પૂર્વીબેન પરમાર તથા ઇ.ચા. નાયબ મામલતદારશ્રી જયરામ જોષી તેમજ રિસર્ચ ફેલો સુશ્રી હિરણ્યા કાલાકુરી સહિત સંબંધિત કર્મયોગી પાસે સામે ચાલીને તેમની ફરજની બેઠક વ્યવસ્થાના સ્થળ પાસે જઇને સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ છે. આમ, જિલ્લા કલેક્ટરશ્રી શાહે અન્ય કર્મયોગીઓમાં પણ આ પ્રકારની કાર્યપ્રણાલી વિકસે તે દિશામાં પ્રેરક-અનોખી મિશાલ કાયમ કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રીના ઉક્ત સન્માનના અણધાર્યા તોહફાથી સન્માનિત કર્મયોગીઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રી શાહ સાહેબે નિખાલસપણે ખૂબજ ઉદારતાથી વહિવટી પરિપ્રેક્ષ્યમાં પ્રોટોકોલને અવગણીને અમારી જગ્યા પાસે આવીને અમારું જે સન્માન કર્યું તે આ ઘડી અમારા જીવનની ધન્ય ઘડી બની રહેશે અને તે માટે અમે શ્રી શાહ સાહેબના હંમેશા ઋણી રહીશું.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી રાત-દિવસ જોયા વિના કચેરી સમય પહેલા કે કચેરી સમય બાદ, વાર-તહેવાર-જાહેર રજાનો દિવસ હોય કે ગમે તે ઘડીએ એક ક્ષણના પણ વિલંબ વિના આ અધિકારીઓ/કર્મચારીઓએ પૂરેપુરી ખંત, નિષ્ઠા, ગંભીરતાપૂર્વક વહિવટીતંત્રની અપેક્ષા કરતાં પણ અદભૂત અને આઉટસ્ટેન્ડીંગ સેવાઓ બજાવી છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે વધુમાં ઉમેર્યુ હતું કે, જિલ્લાના ઉક્ત અધિકારીઓ/કર્મચારીઓને તેમને સોંપાયેલા કામ જવાબદારીપૂર્વક-સમયસર અને ઝડપથી પૂર્ણ કરવાની તેમની લગન, જીજીવીશા અને ધ્યેય સિધ્ધિ માટેના તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને બિરદાવવાની મારા મનમાં સતત ખેવના હતી. જેને ચરિતાર્થ કરવા મેં આ અધિકારી/કર્મચારીઓના ટેબલ પાસે જઇને અન્ય અધિકારીઓ/કર્મચારીઓની વચ્ચે તેમને પ્રશસ્તિપત્રોના રૂપમાં સરપ્રાઇઝ ગીફ્ટ આપીને તેમની કામગીરીને બિરદાવવાની સાથે વ્યક્તિગત રીતે આ તમામને પ્રોત્સાહિત કરાયાં છે, જેનો મને અનહ્દ આનંદ છે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે વધુમાં ઉમેર્યુ હતું કે, ઉક્ત અધિકારીઓ/કર્મચારીઓ કામકાજનાં સ્થળે પ્રશસ્તિપત્ર એનાયત કરતી વખતે તેઓ રાત-દિવસ ખડે પગે જિલ્લા માટે કામ કરી રહ્યા હોવાથી તેમને બેસાડેલા રાખીને કલેક્ટર તરીકે જાતે ઉભા રહીને તેમનું અભિવાદન કરવાથી અંગત રીતે મને પણ ખૂબજ સંતોષ થયો છે. સારા કાર્યોની હંમેશા નોંધ લેવાતી હોય છે એટલે આ સન્માનનો સંદેશ કર્મચારીઓના મિત્ર- વર્તુળ, સાથી કર્મચારીઓ અને તેમના કુટુંબ-પરિવાર સુધી પહોંચશે અને તેનાથી તેમનો જુસ્સો પણ અચૂક વધશે. અને તેનાથી મુખ્યત્વે પ્રજાસમૂહ માટે કાર્યરત જિલ્લા વહિવટીતંત્રને અને સરવાળે લોકોને પણ ફાયદો થશેજ તેવી શ્રી શાહે અભિલાષા વ્યક્ત કરી ઉક્ત તમામ કર્મયોગીઓને તેમણે હ્રદયપૂર્વકના અભિનંદન આપી તેમની પીઠ થાબડી હતી.