શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામા ‘વિશ્વ ક્ષય દિન’ની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા ;
આહવા : ડાંગ જિલ્લામા તા.૨૪મી માર્ચના રોજ “વિશ્વ ક્ષય દિન”ની ઉજવણીના ભાગ રૂપે “ટીબી હારેગા દેશ જીતેગા” બેનર હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.
કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે તા.૨૨-૩-૨૦૨૩ના રોજ ઈ.ચા. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સંજય શાહ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ભાર્ગવ દવે, જિલ્લા ક્ષય કેન્દ્રના એસટીએસ દેવેન્દ્ર ભગરીયા, તથા દિવ્ય છાયા-સુબીરના સંયુકત ઉપક્રમે, સુબીર ખાતે ટીબી અંગેની રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સાથે દિવ્ય છાયા ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું પણ વિતરણ કરાયુ હતુ.
તા.૨૩ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, વઘઈના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ.મિતેશ કુન્બી દ્વારા લીલી ઝંડી આપી, ટીબી અંગેની જનજાગૃતિ રેલીનુ પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. અહિ તાલુકા હેલ્થ ઓફીસના કર્મચારીઓ દ્વારા ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવા સાથે, વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામા આવ્યો હતો.
તા.૨૪ ના રોજ આહવા ખાતેની જનરલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. અંકિત રાઠોડના હસ્તે લીલી ઝંડી આપી, ટીબી અંગેની જનજાગૃતિ રેલીનુ પ્રસ્થાન કરાવાયું હતુ. જેમા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા જનરલ હોસ્પિટલ આહવાનો સ્ટાફ વિગેરે જોડાયા હતા.
રેલી બાદ GNM સ્કુલ આહવા ખાતે “ટીબી હારેગા દેશ જીતેગા” બેનર હેઠળ “રંગોળી સ્પર્ધા” અને “ટીબી અવેરનેસ લેક્ચર”નુ આયોજન આવ્યુ હતુ. સ્પર્ધામા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ.
જિલ્લા ક્ષય કેન્દ્ર-આહવા ખાતે ટીબીના દર્દીઓને અનાજ કિટનુ વિતરણ કરવા સાથે “સબ નેશનલ સર્ટીફીકેટ (ટીબી નાબુદી અંગેના સર્વે)મા ભાગ લેનાર વોલેન્ટિયર્સ અને ડાંગ જિલ્લામા સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
તા.૧૬-૩-૨૦૨૩ થી તા.૧૮-૩-૨૦૨૩ સુધી અનુક્રમે સેન્દ્રીઆંબા (આહવા), કડમાળ (સુબીર) તથા ભેંસકાતરી (વધઈ) ગામે, ટીબી અંગેના પ્રચાર-પ્રસાર માટે લોકલ ડાંગી બોલીમાં “તમાસા” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, સમગ્ર ડાંગ જિલ્લામાં હાલમાં કુલ ૧૬૨ ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાથી “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત” અભિયાન હેઠળ કુલ ૧૨ નીક્ષય મિત્ર દ્વારા કુલ ૮૪ દર્દીઓને દત્તક લેવામા આવ્યા છે. જેમને દરમાસે અનાજ (ન્યુટ્રીશન) કિટનુ વિતરણ કરવામા આવે છે. બાકી રહેલ ટીબીના દર્દીઓને પણ જિલ્લાના સામાજિક આગેવાનો આગળ આવી નીક્ષયમિત્ર તરીકે રજીસ્ટર થઇ, દતક લે તેવી આશા જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા વ્યક્ત કરવામા આવી છે.
ટીબી અંગેના આ સંયુક્ત કાર્યક્રમોનુ આયોજન જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ભાર્ગવ દવે, જિલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી ડૉ. ગર્વિના ગામિત, એમઓટીસી ડૉ.અનુરાધા ગામિત તથા ડૉ. સ્વાતિ પવારના નેજા હેઠળ કરવામા આવ્યા હતા.