શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના કોરોના વોરિયર્સને આપવામાં આવ્યું સન્માન :
ડાંગ, આહવા: પ્રજાજનોને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરવાના ભાગરૂપે ભારત સરકાર, અને રાજ્ય સરકાર દ્વારા આદરાયેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળ બનાવવામા પોતાનુ સર્વસ્વ અર્પણ કરનારા આરોગ્ય કર્મચારીઓને સંગીતની સુરાવલીઓ સાથે અનોખુ સન્માન અપાયુ હતુ.
દેશમા આજદિન સુધી આ મહાઅભિયાન અંતર્ગત આજે જ્યારે સો કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયા છે, ત્યારે આ કપરી કામગીરીને પોતાના અને તેમના પરિવારજનોના જીવના જોખમે સેવા સુશ્રુષા કરી આ મહામારીથી પ્રજાજનોનુ રક્ષણ કરનારા આરોગ્ય કર્મચારીઓનુ આજે અદકેરું સન્માન કરાયુ હતુ.
ડાંગ જિલ્લામા પણ કોરોનાના કપરા કાળમા ખડે પગે સેવા બજાવનારા સફાઈ કામદારથી લઈને તમામ મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ, મેડિકલ ઓફિસરો, આરોગ્ય વિભાગના કર્મયોગી, તથા પોલીસ અને વહીવટી તંત્રના કર્મયોગીઓએ ‘વોરિયર’ તરીકે ભૂમિકા ભજવી છે. જેમનુ પૂર્ણ માન સન્માન સાથે સન્માન કરતા ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ કોરોના રસીકરણ સહિત કોરોના કાળમા આ ‘કોરોના વોરિયર્સ’ એ આપેલી આહુતિને બિરદાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ એ ડાંગ જિલ્લાની કોરોના રસીકરણ સંબંધિત વિગતો રજૂ કરતા, જિલ્લામા સો ટકા રસીકરણના લક્ષ માટે આહવાન કર્યું હતુ.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.આઈ.વસાવાએ પોલીસ ફોર્સના ચુનંદા જવાનો સાથે સંગીતની સુરવાલીઓ વચ્ચે કોરોના વોરિયર્સને અદકેરું સન્માન આપતા સલામી આપી હતી.
દરમિયાન ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે જિલ્લામા આજદિન સુધી ૧ લાખ ૯૦ હજાર ૬૩૬ (૧૮+) ના લક્ષ્યાંક સામે ૧ લાખ ૫૦ હજાર ૬૦૫ લોકોને પ્રથમ ડોઝ (૭૯ ટકા), અને ૫૫ હજાર ૦૦૨ ને બીજો ડોઝ (૩૭ ટકા) આપી દેવાયો છે તેમ જણાવ્યુ હતુ.
જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીતે જિલ્લામા આજદિન સુધી કુલ ૬૯૪ જેટલા કોરોનાના કેસો નોંધાયા છે તેમ જણાવી, આ કેસો પૈકી ૨૮ લોકોના કોરોનાને કારણે કમનસીબ મૃત્યુના કેસો પણ નોંધાઇ ચુક્યા છે, તેમ ઉમેર્યું હતુ.
આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ અભિવાદન કાર્યક્રમમા સિવિલના કર્મચારીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, અને પોલીસ ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.