શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માર્ચ મહિના દરમિયાન વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજી ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે ઉજવણી કરવામાં આવી:
વ્યારા: તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને અનુલક્ષીને ‘સ્વચ્છતા માર્ચ’ તરીકે માર્ચ મહિનાની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત દ્વારા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, તેઓની વિચારધારામાં સ્વચ્છતા પ્રત્યે પરિવર્તન લાવવા તેમજ તેમના જીવનશૈલીમાં સુધારો લાવવાના હેતુથી સંપૂર્ણ માર્ચ મહિના વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા માર્ચનો શુભારંભ ૧લી માર્ચના રોજ વ્યારા તાલુકાના ચિખલવાવ ગામથી કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમે જુદા-જુદા તાલુકાઓના મોટા ભાગના ગામોને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓથી આવરી લીધા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર તેમજ ગામના જાહેર માર્ગોની સાફ-સફાઈ, કાપડની થેલીના ઉપયોગને વધારવા અંગે ગ્રામજનો તેમજ વેપારીઓ સાથે બેઠકો, સ્વચ્છતા પર બનેલ ‘સ્વચ્છ તાપી’ ફિલ્મનું નિદર્શન, નાના-નાના બાળકો થકી ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે સ્પર્શતી અપીલ કરવા માટે સેલ્ફી વિથ વોલ પેઈન્ટિંગ કાર્યક્રમ, તેમજ શેરીનાટક જેવા કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા તાપી જિલ્લામાં ઘન કચરા વ્યવસ્થાપન અંગે જિલ્લાના ૭૫ ગામોનું નગરપાલિકા વ્યારા સ્થિત ડેબ્રિસોલ્વ પ્રા.લિ. કંપની સાથે MOU કરવામાં આવ્યું હતું. જે ગામોમાંથી એકત્ર થયેલ પ્લાસ્ટિકના કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સક્ષમ છે.
આ સાથે ગામોમાં ડોર ટુ ડોર કલેક્શન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, શૌચાલયનો નિયમિત ઉપયોગ, સાફ-સફાઈ અને જાળવણી તેમજ કાપડની થેલીના ઉપયોગને આદત બનાવવા અંગેના મુદ્દાઓ અંગે ગામોના સરપંચશ્રી, તલાટીશ્રીઓ સાથે ઘન કચરા વ્યવસ્થાપન વિશે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી ગ્રામજનોને જાગૃત કરવાની સરાહનિય પ્રવૃત્તિ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ તાપી દ્વારા હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ માર્ચ મહિના દરમિયાન આયોજિત તમામ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી ‘સ્વચ્છતા માર્ચ’ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.