શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ‘એનીમિયા(પાંડુરોગ) અને સારવાર’ વિષય ઉપર ઇન સર્વિસ તાલીમ યોજાઈ:
વ્યારા: તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા તાજેતરમાં ‘એનીમિયા(પાંડુરોગ) અને સારવાર’ વિષય ઉપર ઇન સર્વિસ તાલીમ યોજાઈ હતી. જેમાં મહિલા સામખ્ય, તાપીની કુલ-૨૫ કાર્યકર મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડયાએ ઉપસ્થિત સર્વેને આવકારી કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી જિલ્લામાં જોવા મળતાં વિવિધ રોગો અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત સૌને આ તાલીમ થકી માર્ગદર્શન મેળવી જિલ્લાના વિવિધ ગામોમાં આદિવાસી મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા ખાસ અપીલ કરી હતી.
તાલીમમાં કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી સોનીએ ટેકનિકલ માર્ગદર્શન આપી વિવિધ પ્રકારના એનીમિયા રોગના લક્ષણો, તેના કારણો અને તેને અટકાવવા માટે ખોરાકમાં લેવાતા જરૂરી ખાદ્ય પદાર્થો વિશે વિસ્તૃતમાં સમજ આપી હતી. વધુમાં, તેમણે આદિવાસી સમાજમાં જોવા મળતો વારસાગત રોગ સિકલસેલ એનીમિયા અને તેને અટકાવવા માટે ધ્યાનમાં લેવામાં આવતી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું. તેમણે દરેક તાલીમાર્થીઓનું તાલીમ પૂર્વે અને તાલીમ બાદ પ્રશ્નોત્તરી આપી મૂલ્યાંકન કર્યું હતું.
કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલ, વ્યારાના ડૉ.હિના મકવાણાએ તાપી જિલ્લાની મહિલાઓ અને બાળકોની આરોગ્ય અંગે પરિસ્થિતિ જણાવી પાંડુરોગમાં મહિલાઓએ લેવાની કાળજી, સારવાર અને સમતોલ આહાર બાબતે માર્ગદર્શન આપી વધુમાં વધુ મહિલાઓને યોગ્ય આહાર અને પોષણ અંગે માહિતી આપવા અપીલ કરી હતી.
તાલીમમાં મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા જૂથ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્ર્મના અંતે તાલીમાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મહિલા સામખ્ય, તાપીના જિલ્લા સંકલન અધિકારી નીતા નિબાંર સહિત અન્ય બહેનો તથા કૃષિ વિજ્ઞાન કેંદ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.