શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આયુષમાન આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર વ્યારા ખાતે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ના હસ્તે PM JAY MA કાર્ડ વિતરણ કરાયા..
તાપી: રાજ્યકક્ષાના મંત્રીશ્રી, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, ગુજરાત રાજ્ય તથા તાપી જીલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘‘આયુષ્યમાન આપકે દ્વાર ’’ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લાના અર્બન હેલ્થ સેન્ટર, વ્યારા ખાતે આયુષ્યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.
મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મા અમૃતમ, મા યોજનાના કાર્ડ શરૂ કરાયા હતા. ત્યારે રૂા.૨ લાખ સુધીની આરોગ્યની સારવાર કરાવી શકાતી હતી. હવે આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી PM JAY MA કાર્ડ યોજના લોન્ચ કરી છે. જેનાથી રૂા.૫ લાખ સુધીની સારવારનો ખર્ચ આ કાર્ડની મદદથી કરી શકાશે. પહેલા એક પરિવારમા; એક જ કાર્ડ અપાતો હતો. હવે વ્યક્તિગત પણ આ યોજનાનો લાભ મળી રહેશે. સરકારે આપને દ્વાર આવી મદદનો હાથ લંબાવ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના કુલ ૧,૦૭,૪૩૦ પરિવારોના કુલ ૪,૬૨,૧૫૭ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાલ ૧,૭૯,૫૨૯ આયુષમાન કાર્ડ (૩૮.૮૪ ટકા) બની ગયા છે. તાપી જિલ્લામાં કુલ ૪૩૦ સેન્ટરોમાં કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૪૦ પ્રાથમિક કેન્દ્રો, ૬-સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૧- ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વી.સી.ઈ.ગ્રામ સેન્ટર ૧૦૭, ૨૬૬- કોમન સર્વિસ સેન્ટર અને ૧૦ એન.કોડ સેન્ટર ખાતે કાર્ડ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવક મર્યાદા રૂા.૪ લાખ કે તેથી ઓછી આવક અને સીનીયર સીટીઝન માટે ૬ લાખ કે તેથી ઓછી આવક મર્યાદા રહેશે.
આ કાર્યક્રમમાં કલેક્ટર એચ.કે.વઢવાણિયા, સાંસદ, બારડોલી પરભુભાઈ વસાવા, પ્રમુખ, જીલ્લા પંચાયત સૂરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, સંગઠન પ્રમુખ ડો.જયરામભાઈ ગામીત, જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષ સોનલબેન પાડવી સહિત અધિકારી,પદાધિકારીઓ, આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.