
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
‘દશેરા મહોત્સવ’ ઉજવણીની ચાલી રહેલી તૈયારીઓની મુલાકાત લેતા ડાંગ કલેક્ટરશ્રી :
ડાંગ, આહવા: શ્રી રામ ભક્ત ‘માં શબરી’ની પાવન ભૂમિ એવા શબરી ધામ ખાતે આગામી તા.૧૫મી ઓક્ટોબરે યોજાનારા ‘દશેરા મહોત્સવ’ સ્થળની જાત મુલાકાત લઈ, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા એ શબરી ધામ ટ્રસ્ટ સહિત જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જગદજનની આધ્યશક્તિ માં અંબાના નવલા નોરતાની શ્રેણીબદ્ધ ઉજવણી બાદ, પ્રભુ શ્રી રામ સાથેના શબરી મિલન સ્થળ એવા ‘શબરી ધામ’ ખાતે ‘દશેરા મહોત્સવ’ નુ રાજ્ય કક્ષાનુ આયોજન કરવામા આવ્યુ છે.
જેને અનુલક્ષીને અહી પધારનારા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો, ભક્તગણો વિગેરેની સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરતા કલેક્ટર શ્રી ભાવિન પંડયા એ ‘શબરી ધામ’ ની તેમના ચુનંદા અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી.
‘શબરી ધામ’ ખાતે ‘દશેરા મહોત્સવ’ દરમિયાન ‘સાંસ્ક્રુતિક કાર્યક્રમો’ સહિત ‘રાવણ દહન’ અને ‘મહા આરતી’ નું આયોજન કરાયુ છે. જેમા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પુર્ણેશભાઇ મોદી સહિત આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, પાણી પુરવઠા અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, રાજ્યના પૂર્વ વરિષ્ઠ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.
જ્યારે કાર્યક્રમ દરમિયાન સૂચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે જોવાની સૂચના આપતા કલેક્ટર શ્રી પંડયાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ.
આ વેળા તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, પ્રાંત ઓફિસર સુશ્રી કાજલ ગામીત, કાર્યપાલક ઇજનેરો સર્વ શ્રી એસ.આર.પટેલ, રાજુભાઇ ચૌધરી, ડી.બી.પટેલ અને વી.ડી.પટેલ, સબ ડી.એફ.ઓ. શ્રી ટી.એન.ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.