
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, આહવા “ડાંગ જિલ્લાની શ્રેષ્ઠ શાળા” તરીકે ગૌરવપૂર્ણ સન્માનથી નવાજિત:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના શૈક્ષણિક ઇતિહાસમાં એક વધુ તેજસ્વી અને યાદગાર અધ્યાય ઉમેરાયો છે. જિલ્લાના શૈક્ષણિક ગૌરવ સમાન ગણાતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા ને ગુજરાત રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શાળાઓની પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મળતાં સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. શાળાની સતત ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પદ્ધતિ, શિસ્તસભર શૈક્ષણિક વાતાવરણ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના અવિરત પ્રયાસોને ધ્યાનમાં રાખી આ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું છે.
આ સિદ્ધિ પ્રસંગે ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી (DEO) એ શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષકવૃંદ અને વિદ્યાર્થીસમુદાયને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા એ શિક્ષણ ક્ષેત્રે સતત શ્રેષ્ઠ પરિણામો, શૈક્ષણિક નવીનતા અને સહપાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા જે ઊંચો માપદંડ સ્થાપિત કર્યો છે, તે ડાંગ જિલ્લાના અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે દીવાદાંડી સમાન છે. આ સિદ્ધિ પાછળ શિક્ષકોની નિષ્ઠાપૂર્ણ મહેનત અને વિદ્યાર્થીઓની અડગ પ્રતિબદ્ધતા મુખ્ય કારણરૂપ છે.”
વર્ષ 1952થી કાર્યરત આ ઐતિહાસિક શાળાએ વર્ષો દરમિયાન સમૃદ્ધ શૈક્ષણિક વારસાનું નિર્માણ કર્યું છે. શાળામાં આધુનિક યુગને અનુરૂપ ડિજિટલ શિક્ષણ વ્યવસ્થા, સુસજ્જ અને આધુનિક પ્રયોગશાળાઓ, તેમજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્ય કક્ષાએ પ્રાપ્ત થયેલી નોંધપાત્ર સિદ્ધિઓ શાળાની આગવી ઓળખ બની છે. સાથે સાથે, વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કૌશલ્ય ઉપરાંત સંસ્કાર, શિસ્ત અને સામાજિક જવાબદારી વિકસે તે માટે સતત પ્રયત્નશીલ અનુભવી અને સમર્પિત શિક્ષકમંડળ શાળાની મજબૂત આધારશિલા રૂપે કાર્યરત છે.
આ ગૌરવપૂર્ણ સન્માન બદલ શાળાના આચાર્યશ્રી અમરસિંહ એ. ગાંગોડા સાહેબ તથા સમગ્ર શાળા પરિવારએ હર્ષ, આનંદ અને આત્મગૌરવની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ શાળા શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સ્પર્શે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે અને ડાંગ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે વધુ ઉજાગર કરશે.



