શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લા મથક વ્યારાની કે.કે. કદમ વિદ્યાલય ખાતે સંસ્કૃત શિક્ષક કાર્યશાળા યોજાઈ:
તાપી જિલ્લામાં સંસ્કૃત ભાષાની મહાનતા અને તેની શૈલી વિષે પરિચય કરાવતી સંસ્કૃત શિક્ષક કાર્યશાળાનું આયોજન કરાયુ હતું:
વ્યારા-તાપી: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તાપી દ્વારા તાજેતરમાં શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે સંસ્કૃત શિક્ષકોની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં તાપી જિલ્લાના કુલ ૧૨૩ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકરભાઇ રાવલ, સંસ્કૃત બોર્ડના મદદનીશ અધિકારીશ્રી પુલકીતભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સંગઠન મંત્રી પશ્ચિમ ક્ષેત્ર, સંસ્કૃત ભારતીના હિમાંજયભાઈ પાલીવાલ અને ખાસ ફરજ પરના અધિકારી ડો. કે.કે. કરકરએ સંસ્કૃત ભાષામાં પોતાનુ વકતવ્ય આપ્યું હતું.
સંસ્કૃત ભાષા સમગ્ર ભાષાને જોડનારી ભાષા છે તેમજ સંસ્કૃત ભાષા આપણા સમાજ, સંસ્કૃતિ, સભ્યતા અને ધરોહરની આત્મા છે. સંસ્કૃત ભાષા તમામ ભાષાઓની જનની છે તથા દેવની ભાષા તરીકે પણ ઓળખાય છે એવું કહેવું અતિશ્યોક્તિ નથી. કાર્યક્રમ દરમિયાન તમામ અધિકારીઓએ સંસ્કૃત ભાષા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સંસ્કૃત ભાષાનું મહત્વ, ભાષાની સરળતા, શા માટે વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં રસ નથી ધરાવતા તેને જીવનપ્રસંગો સાથે જોડીને સમજાવ્યા હતા. તેમજ સંસ્કૃત ભાષાને ઉપયોગમાં ન લેવાનું કારણ જણાવી કાર્યશાળામાં ઉપસ્થિત સૌને આ ભાષાની મહાનતા વિશે જણાવ્યું હતું.