
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રૂ.૮૧ લાખના ખર્ચે ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને ખુલ્લું મૂકતા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ
આ કેન્દ્ર સુરત, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને સંશોધન, માટી પરીક્ષણ, બીજ વિકાસ, જીવાત નિયંત્રણ અને તાલીમની સુવિધા પૂરી પાડશે
ખેડૂતો તેમજ ટેક્સટાઇલ વચ્ચેની વેલ્યુ ચેઇન માટે કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર સીધું મદદરૂપ થશે
સુરત: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના અનુદાનથી રૂ.૮૧ લાખના ખર્ચે સાકારિત થયેલા ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પૂર્વ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
એમ.એલ. કાકડીયા ભવન, IAS /IPS ટ્રેનિંગ સેન્ટર, સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ ખાતે ખાતે ૨૯૨૩ ચો.ફૂટ ક્ષેત્રફળમાં નિર્માણ પામેલા આ કેન્દ્રનું નિર્માણ પૂર્વ સાંસદ શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ દ્વારા ફાળવેલા અનુદાન(૨૦૦૯-૨૦૨૪)માંથી થયું છે.
શ્રીમતી દર્શનાબેન જરદોશે આ કેન્દ્ર કૃષિમાં કપાસ સંશોધન માટે ખૂબ ઉપયોગી બનશે એમ જણાવી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં કૃષિ ક્ષેત્રનો ફાળો, કૃષિ અભ્યાસના મહત્વ અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સશક્તિકરણ માટે આ કેન્દ્ર એક માઈલસ્ટોન બનશે. આ કેન્દ્ર સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓને સંશોધન, માટી પરીક્ષણ, બીજ વિકાસ, જીવાત નિયંત્રણ અને તાલીમ કાર્યક્રમોની સુવિધા પૂરી પાડશે, જે ખેડૂતો તેમજ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન બંનેને સીધી મદદરૂપ થશે.
સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વવિખ્યાત બન્યો છે અને કપાસ ઉગાડતા ખેડૂતો માટે આ ઉદ્યોગ સંજીવની સમાન છે, ત્યારે આ કેન્દ્ર થકી સુરત અને ગુજરાતનો ટેક્સટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે, કાપડ ઉદ્યોગોને સશક્ત બનાવશે, આત્મનિર્ભર ટેક્સટાઇલના વિઝન તરફ એક મોટું પગલું ભરાશે એમ ઉમેર્યું હતું.
ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી આ કેન્દ્ર સાકાર થવાથી કાપડ ઉદ્યોગકારો માટે પ્લેટફોર્મ, કિસાનોને તાલીમ અને સંશોધન, રિસર્ચ અને ડેવલપમેન્ટ વિષે ઉપયોગી વિગતો આપી હતી.
પૂર્વ સાંસદ દર્શનાબેનનો આભાર વ્યકત કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડાએ યુનિ. પરિસરમાં કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર નવી પેઢીને કૌશલ્યવાન બનાવવા માટે ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળ હોય તેવા સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ શરૂ થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, ઈ. ચા. કુલસચિવશ્રી ડૉ.એન.આર.પટેલ, વિદ્યાશાખાઓના વિભાગીય વડાઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.