
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વાટલીયા પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કતારગામ ખાતે નવનિર્મિત મહિલા લાઈબ્રેરીનું ઉદ્દઘાટન:
યુવાનોના ગ્રૂપ દ્વારા મહિલા સશક્તિકરણની પ્રેરક પહેલ;
વાંચનાલયના શાંત અને શિસ્તબદ્ધ માહોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશે:
અભ્યાસ, નોકરી, સમાજસેવા કે કોઈ પણ ક્ષેત્રમાં હંમેશા શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરો:-શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા
સુરત: વાટલીયા પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શાંત અને શિસ્તબદ્ધ માહોલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવા હેતુસર કતારગામ સ્થિત નંદનવન સોસાયટી, રાધાકૃષ્ણ સ્કુલમાં નવનિર્મિત અદ્યતન મહિલા લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારીશ્રી જે.બી.વોરા, સુરત શહેર ભાજપ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાઝંમેરા, સામાજિક આગેવાનશ્રી નંદલાલભાઈ પાંડવ, રાધાકૃષ્ણ ટ્રસ્ટના સંચાલકશ્રી વલ્લભભાઈ વોરા, નરેશભાઈ વરિયા, શ્રી બાબુભાઈ કાચરીયા સહિતના મહાનુભાવોના હસ્તે આ લાઈબ્રેરીને ખૂલ્લી મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ અભ્યાસ, નોકરી, સમાજસેવા કે કોઈ પણ ક્ષેત્રમાં હંમેશા શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. હાર્ડ વર્ક પણ સ્માર્ટલી કરવા, સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આરંભે શૂરા નહીં, પણ સ્થિરતાથી લાંબા ગાળાના આયોજન સાથે કાર્ય કરવું જોઈએ એમ જણાવતા ઉમેર્યું કે એક સુગમ અને આદર્શ કેડી કંડારીએ જેથી અન્ય લોકો તેના પર સડસડાટ દોડી શકે. વાંચનાલયની સુવિધાનો યોગ્ય ઉપયોગ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળતું પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સમાજ અગ્રણી પ્રમુખશ્રી નંદલાલભાઈ પાંડવે આ વાંચનહોલ સમાજની યુવા પેઢી માટે સુયોગ્ય કારકિર્દી ઘડવાનું માધ્યમ બનશે એમ જણાવી શિક્ષિત-દીક્ષિત બની સમાજ, રાજ્ય અને દેશહિતના કાર્યોમાં અગ્રેસર રહેવા શીખ આપી હતી.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ધબકાર દૈનિકના તંત્રીશ્રી નરેશભાઈ વરિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, લાઈબ્રેરી સમાન જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે દૈનિક જીવનમાં વાંચન જ્ઞાનની નવી દિશા આપે છે. વાંચનથી વિચારધારામાં ધરમૂળથી પરિવર્તન આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ન પણ મળે તો પણ અભ્યાસેત્તર વાંચન જીવનનું આગવું ભાથું બને છે.
જ્ઞાતિના કાર્યકારી મહામંત્રીશ્રી મહેશભાઈ સરવૈયાએ લાઈબ્રેરીને બીજમાંથી વટવૃક્ષમાં પરિવર્તિત કરવા જણાવી સમસ્ત જ્ઞાતિ પરિવાર વતી નવા સોપાન માટે શુભકામના પાઠવી હતી.
અગ્રણી ઉદ્યોગપતિશ્રી જીતુભાઈ કાકલોતરે વધુ એક અલાયદો વાંચનહોલ બનાવવા માટે રૂ.એક લાખનું દાન અર્પણ કર્યું હતું. જે હવે પછી પુરૂષ લાઈબ્રેરી બનાવવા માટે ઉપયોગમાં લેવાશે.
ઉત્સાહી યુવાનોના ગ્રૂપ દ્વારા મહિલા સશક્તિકરણની પ્રેરક પહેલરૂપ આ લાઈબ્રેરીના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરી આભાર દર્શન સહ ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. વિશેષત: સ્વ.પરેશભાઈ કાચરિયા (પૂર્વ તલાટી કમ મંત્રી)ની સ્મૃતિમાં રૂ.એક લાખનું દાન આપનાર તેમના પરિવારજનોનું બહુમાન કરાયું હતું.
નોંધનીય છે કે, ‘સરકારી ક્ષેત્ર’માં વાટલીયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ વધે અને જાહેર સેવક બની દેશહિતમાં યોગદાન આપવાની તક મળે એ હેતુથી સમસ્ત વાટલીયા પ્રજાપતિના રત્નસમા સ્વ.પરેશભાઈ બાબુભાઈ કાચરિયા (ક્યુબ્રિ ગ્રુપના પ્રણેતા) દ્વારા જુલાઈ,૨૦૨૦માં સૌપ્રથમ “સમસ્ત વાટલીયા પ્રજાપતિ સરકારી કર્મચારી સમિટ” યોજી સરકારી કર્મચારીઓને સંગઠિત કરવામાં આવ્યા હતા. તેઓના સ્પર્ધાત્મક પરીક્ષા, આર.ટી.ઇ, મેડિકલ સારવાર, કાયદા માટેની જાગૃતિના કાર્યક્રમને આગળ ધપાવવા, સમાજના સરકારી કર્મચારીઓ, શિક્ષણ હિતેચ્છુઓ, યુવાઓ દ્વારા વાટલીયા પ્રજાપતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાધાકૃષ્ણ ટ્રસ્ટના સાથ-સહયોગથી સમાજની સૌ પ્રથમ મહિલા માટેની લાઈબ્રેરી બનાવવામાં આવી છે, જેમાં એ.સી., સી.સી.ટી.વી., સેપરેટ વાંચન-કક્ષ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું તમામ સાહિત્ય વિદ્યાર્થિનીઓ માટે ઉપલબ્ધ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને વર્ગ-ત્રણના કર્મચારીથી લઈ આઈ.એ.એસ. અધિકારીઓના માર્ગદર્શનનો લાભ મળશે.
આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ કાકલોતર, ન્યુરો ફિઝિશિયન ડો.પરેશભાઈ ઝાંઝમેરા, ટ્રસ્ટી લાલજીભાઈ કાકલોતર, દિનેશભાઈ કાચરિયા, આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમ, RTE ટીમ, સહિત યુવા વિદ્યાર્થીઓ અને સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર : ફતેહ બેલીમ સુરત