
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાટ ખાતે વાર્ષિક દિનની રંગેચંગે ઉજવણી કરાઇ:
“લવ યુ જિંદગી”નાં થીમ ઉપર સ્કૂલના આદિવાસી બાળકો દ્વારા અનેક કૃતિઓ રજુ કરી દર્શકોને ઝુંમાવી દીધા;
નર્મદા: સાગબારા તાલુકા મથક ને અડીને આવેલ પાટ ગામે સ્થિત વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સાગબારા મામલતદાર શ્રી નિઝામા, આણંદ નોલેજ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન રાજેશ ચૌહાણ, બરોડા સ્થિત ઈમ્પ્રેસીવ ઈમ્પ્રેશનના હિમાંશુભાઈ, નર્મદા સંદેશના તંત્રી અને ihrpc નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, આદિવાસી સમાજના અગ્રણી ડો.શાંતિકર વસાવા, ઋષિ સાયન્સ ઝોન આણંદના અર્ચનભાઈ તથા જૈન સમાજ સેલંબાના અગ્રણી દિલીપભાઈ હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.
વે મેડ સ્કૂલ શૈક્ષણિક જ્ઞાન સાથે બાળકોને વ્યક્તિ ઘડતર અને સર્વાંગી વિકાસ થાય એ દિશામાં બે કદમ આગળ ચાલીને આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ નું સિંચન કરે છે. લગભગ અઢી કલાકના સમય દરમ્યાન બાળકોએ જુદા જુદા જબરજસ્ત પર્ફોર્મન્સ દ્વારા પોતાની કલાનું કૌવત બતાવીને મહેમાનો તથા વાલીઓને દંગ કરી દીધા હતા. “બેટીયાં બેટો સે કમ નહિ”, “ભગતસિંગ”, “લવ યુ જિંદગી” જેવા એક્ટ અને કોળી ડાન્સ, ભાંગડા તથા આદિવાસી ડાન્સ દ્વારા બાળકોએ દર્શકોને ઝુમાવી દીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત વિવિધ કૃતિઓને ઉપસ્થિત મહેમાનો, બાળકોના માતા-પિતાઓએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી.
શાળાના વડા બળવંત પરમાર તથા આચાર્ય મીનાક્ષી પરમાર નું આયોજન અને કોરિયોગ્રાફર ગણેશ, ભાવિન, પાર્થ તથા સ્ટાફગણની મહેનતનું પરિણામ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો અને સ્ટિવન દ્વારા કરવામાં આવ્યું હતુ.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા