
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ નર્મદા સર્જનકુમાર
ફાગણ માં સોળે કળાયે ખીલેલો મનમોહન કેસુડો હોળીમાં આપે છે પ્રાકૃતિક રંગ કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય રૂડો ફાગણીયો લહેરાય…
આદિવાસી સમાજ માં અનેક વિધિઓ માટે ખાખરાનાં પાનનો વિશેષ ઉપયોગ, જેથી ખાખરો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન;
કવિઓએ જેને પોતાની કવિતામાં મળી છે અને ફાગણમાં જયારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસુડો સોળે કળાએ ખીલી ઉઠે છે. રંગોનો તહેવાર હોળી આવી છે, આ સાથે કેસુડો પણ ખીલી ઉઠયો છે.
ડેડીયાપાડા પંથક માં ઠેક-ઠેકાણે ખીલેલા કેસુડાના વૃક્ષનાં જેવો લાહવો પણ એક છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસુડો ખીલી ઉઠે છે. ફાગણએ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફુલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફુલો પછી ખાખરા ઉપર બીજ આવે છે જેનો ઉપયોગ ત્વચા ની કોઈપણ બીમારી માં કરી શકાય છે, ખાખરા ના મૂળનો અર્ક પણ ઔષધી તરીકે બહુ ઉપયોગી છે.
જો કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધળેટી રમતું તો નથી છતાં પણ ડેડીયાપાડા વિસ્તારના આદિવાસીઓને હોળી-ધુળેટીમાં કેસુડાની યાદ અવશ્ય આવે જ છે. વાસ્તવમાં કેસુડાના રંગથી ધૂળેટી રમવા પાછળ પણ આરોગ્યનો હેતુ રહેલો છે. કેસૂડાના રંગો પ્રાકૃતિક રંગો હોવાના કારણે કોઈપણ પ્રકારની આડઅસર કે નુકસાન કરતા નથી. ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખિલતા હોય છે. ઉનાળાના ત્રણ મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખુબ ઉપયોગી છે. કેસુડાના ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા ઔષધિય ગુણો તેમાં રહેલા છે. ઉનાળામાં લાગતી લૂ સામે રક્ષણ અને ઉનાળામાં થતાં ચામડીના રોગો પણ તેના પરિણામે દુર રહે છે.
ક્યારેક લગ્નમાં કે કોઈ અન્ય પ્રસંગમાં પંગતમાં બેસી અને પાંદડાની બનાવેલી બાજુમાં જમણ લીધું હોય તો એ આજ કેસુડો એટલે કે ખાખરાના પાંદડા માંથી બનાવેલ પતરાળા કે જેને આદિવાસી બોલીમાં બાજ કહીયે છીએ. આદિવાસી સમાજના લોકો જંગલ માંથી કે ખેતરના પાળ પર ઉગેલા ખાખરા ઝાડ પરથી પાંદડા ભેગા કરી તેના પતરાળા બનાવે છે. અને મશીનની મદદથી પડીયા પણ બનાવાય છે, આમ ખાખરો ઔષધીય ગુણોતો ધરાવે જ છે સાથે સાથે રોજગારી પણ પુરી પાડે છે. આપણા આદિવાસી સમાજના પૂર્વજોએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા.
આદિવાસી સમાજની લગ્ન, જન્મ અને મરણની વિધિઓમાં ખાખરાનાં પાનનો વિશેષ ઉપયોગ થાય છે. આથી કહી શકાય કે ખાખરો ખરા અર્થમાં આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.