
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા માહિતી કચેરી તાપીના સહાયક માહિતી નિયામકને બઢતી મળતા અપાયું વિદાય સંન્માન:
વ્યારા, તાપી : જિલ્લા માહિતી કચેરી, વ્યારા જિ.તાપીના સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીને અમરેલી જિલ્લામાં નાયબ માહિતી નિયામક તરીકે બઢતી મળતા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા માહિતી કચેરી, પરિવારે શુભકામનાઓ પાઠવી શ્રીફળ અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શ્રી તડવી તા.૧૭/૦૫/૧૯૮૯ પ્રથમ માહિતી મદદનીશ તરીકે નિમણૂંક પામ્યા હતા. ત્યારબાદ વડોદરા, પંચમહાલ, સુરન્દ્રનગર, ગાંધીનગર અને દાહોદ ખાતે સિનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવી હતી. તા.૧૫/૦૯/૨૦૧૫માં તેમને સહાયક માહિતી નિયામક વર્ગ-૨ તરીકે બઢતી મળતા સુરત ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી, તા.૧૦/૦૩/૨૦૧૯થી તેઓ જિલ્લા માહિતી કચેરી વ્યારા-તાપી ખાતે ફરજ બજાવી રહયા હતા. તેમને તા.૨૯/૧૦/૨૦૨૧ના રોજ અમરેલી ખાતે નાયબ માહિતી નિયામક વર્ગ-૧ તરીકે બઢતી મળતા તેઓને તાપી જિલ્લા માહિતી કચેરીના કર્મચારી પરિવારે અશ્રુભીની આંખે વિદાયમાન આપ્યુ હતું.
તાપી જિલ્લાની પ્રચાર-પ્રસારની કામગીરી માટે હંમેશા તાપી જિલ્લાના વિકાસને લક્ષ્યમાં રાખીને હકારાત્મક અભિગમ સાથે તેમણે કર્મયોગી ભાવના રાખી પોતાની કામગીરી નિભાવી છે. છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાકીય વાતો પહોંચાડવી હોય કે જિલ્લાના વહીવટી તંત્રનો સંદેશ હોય તેમણે દિન-રાત જોયા વિના પોતાની ફરજ અદા કરી છે. શ્રી તડવીએ માર્ચ-૨૦૧૭ થી તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. ટીમ માહિતી તાપીને હંમેશા સુચારૂ માર્ગદર્શન આપતા હતા તથા તમામ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાને ઉપયોગી થવા બદલ મીડિયા પરિવારે પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.