શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીના સરકારી વિનયન કોલેજ ઉચ્છલના કુલ ૧૨૫ વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ થયું.
રોજગાર દિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતાં.
વ્યારા-તાપી ૧૪: શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા-તાપી દ્વારા તાજેતરમાં ડો. શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે રાજ્ય વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષતામાં ‘રોજગાર દિવસ’નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજ્ય સરકારશ્રીના શિક્ષણ, આરોગ્ય, ઊર્જા જેવા સરકારી વિભાગો, અર્ધસરકારી તેમજ ખાનગી કંપનીઓમાં તાપી જિલ્લાના પસંદગી પામેલા યુવાનોને વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રીના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકારશ્રી દ્વારા દરેક કોલેજોમાં દર વર્ષે આયોજિત કરવામાં આવતા રોજગાર મેળા અંતર્ગત તાપીના ઉચ્છલ તાલુકાની સરકારી વિનયન કોલેજમાં તા.૧૬/૦૩/૨૦૨૧ તથા તા.૧૭/૦૩/૨૦૨૧ ના રોજ કોલેજની આચાર્ય ડો.કલ્યાણી ભટ્ટની અધ્યક્ષતામાં ઓનલાઈન/ઓફલાઈન રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન કોલેજના ૧૨૫ વિદ્યાર્થી તેમજ વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે કોલેજમાં પધારેલ જીવન વીમા નિગમ વ્યારાના અધિકારી બિરેન ગામીત અને તેમના સ્ટાફ સહિત અમદાવાદની એન્ડેવર મેન્યુફેક્ચરીંગ પ્રાઈવેટ કંપનીના એચ.આર. પ્રણવ શાહે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતાં. જેમાંથી LIC વ્યારામાં સરકારી વિનયન કોલેજના ૫૭ ભાઈ-બહેનો તથા એન્ડેવર મેન્યુફેક્ચરીંગ પ્રા. લિમિટેડ કંપનીમાં ૬૭ એમ તમામ ૧૨૫ વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ થયું હતું.
કોલેજના આચાર્ય તેમજ પ્લેસમેન્ટ અધિકારી ડો.જસુબેન પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. જિલ્લાની છેવાડાની કોલેજના વિદ્યાર્થીઓ પણ રોજગાર ક્ષેત્રે આત્મનિર્ભર બને, આત્મવિશ્વાસ કેળવી પોતાના કેરિયરમાં આગળ વધે તે અંગેના સફળ પ્રયત્નો માટે સરકારી વિનયન કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.